
જીગ્નેશ બારીયા :- દાહોદ
ધાનપુર તાલુકાના ભોરવા ગામે 500 રૂપિયાની લેવડદેવડ મામલે ભાઈએ સગા ભાઈને કુહાડીના ઉપરા છાપરી ઘા મારી યમસદને પહોંચાડયો
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં માત્ર 500 રૂપિયાની લેવડદેવડ મામલે સગા ભાઈએ પોતાના સગા ભાઈને કુહાડીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તારીખ 16મી જુલાઇના રોજ ભોરવા ગામે નિશાળ ફળિયામાં રહેતા જશુબેન કાળુભાઈ રત્નાભાઇ બારીયા તથા તેમના પતિ કાળુભાઈ બંને સાંજના સાડા પાંચ વાગ્યાના સમયે પોતાના ઘરે હતા તે સમયે તેઓના જ ગામમાં રહેતો અને કાળુભાઈ નો સગો ભાઈ જુવાનસીંગ ઉર્ફે જનીયાભાઈ રત્નાભાઇ બારીયા ત્યાં આવ્યો હતો અને જશુબેન અને તેમના પતિ કાળુભાઈને 500 રૂપિયાની લેવડ દેવડની અદાવતમાં બેફામ ગાળો આપી ઝઘડો તકરાર કર્યો હતો અને આ દરમિયાન જુવાનસિંહભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની સાથે લાવેલ કુહાડીના ઉપરાછાપરી ઘા કાળુભાઈના માથામાં ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને તેઓના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ઘટનાની જાણ પરિવારજનો તથા ગ્રામજનોમાં થતાં લોકટોળા ઘર તરફ દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકની લાશને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દઈ પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સંબંધે મૃતક કાળુભાઈની પત્ની જશુબેન કાળુભાઈ બારીયા દ્વારા જુવાનસીંગ ઉર્ફે જનીયાભાઈ રત્નાભાઇ બારીયા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો આગળની નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.