સૌરભ ગેલોત
દેવગઢ બારિયામાં હલકી કક્ષાનું મીઠું વેચવા બદલ વેપારી તેમજ ઉત્પાદક દંડાયા…
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા શહેરમાં આવેલ એક મીઠા (નમક) ના વેપારીને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરતાં મીઠા (નમક)ના પેકીંગ લઈ તેને પૃથ્થકરણ માટે મોકલતાં રિપોર્ટમાં મીઠાનું પેકેટ મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આ કેસ દાહોદના એડ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ સુધી પહોંચતાં અધિક કલેક્ટર દ્વારા આ મામલે દેવગઢ બારીઆના વેપારી પેઢીના માલિક અને ઉત્પાદક પેઢી સામે પગલાં લઈ બંન્ને વેપારીઓને કુલ રૂા. ૨૦,૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કરતાં દાહોદ જિલ્લામાં ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ગત તા.૨૬.૦૨.૨૦૧૯ના રોજ દાહોદના ફુડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ ખાતે આળેલ આરીફભાઈ બાબુભાઈ મન્સુરીની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં ફુડ ઓફિસર દ્વારા દુકાનમાંથી ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટનું ૦૧ કિ.ગ્રામ.નું પેકીંગનો નમુનો પૃથ્થકરણ કરાવવા માટે ફુડ એનાલીસ્ટ ભુજને પૃથ્થકરણ માટે મોકલી આપ્યું હતું જેનો અહેવાલ રિપોર્ટ તારીખ ૦૨.૦૪.૨૦૧૯ના રોજ આવતાં આ અહેવાલ રિપોર્ટમાં ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેકીંગ ચામુંડા ઈન્ડસ્ટ્રીઝ, રણ રોડ, ખારાગોડા, મુ.પો. ખારાગોડા, તા.દસાડા, જિ. સુરેન્દ્રનગર દ્વારા પેકીંગ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, લેબલીંગના ધોરણો મુજબ નમુનાના લેબલ ઉપર એફએસએસએઆઈ સીમ્બોલ અને એફએસએસએઆઈ લાયસન્સ નંબર હોવો ફરજીયાત હોવા છતાં દર્શાવવામાં આવેલ ન હોવાનું પણ સામે આવતાં આ સમગ્ર મામલો દાહોદના એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ પાસે પહોંચતાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા દેવગઢ બારીઆ નગરના વેપારી પેઢીના માલિક આરીફભાઈ બાબુભાઈ મન્સુરીને રૂા. ૫,૦૦૦ અને સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ ચામુંડા ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદક પેઢીના માલિક યોગેશ શિવભગવાન પારકીને રૂા. ૧૫,૦૦૦નો એમ કુલ મળી બંન્ને વેપારીઓ પાસેથી મળી કુલ રૂા.૨૦,૦૦૦નાં દંડની વસુલાતનો હુકમ કરતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો.