સુમિત વણઝારા
દે.બારિયા તાલુકાના ઉધાવળા ગામે જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી નાસભાગના દ્રશ્યો સર્જાયા:95 હજારના મુદ્દામાલ સાથે પાંચ જુગારીયાઓ ઝડપાયા: એક ફરાર
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે જાહેરમાં પત્તા પાનાનો જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડી જ્યારે એક જુગારી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલ જુગારીઓ પાસેથી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૪૯,૮૮૦ તેમજ મોબાઈલ ફોન અને વાહન મળી કુલ રૂા. ૯૫,૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી જુનના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ઉધાવળા ગામે જાહેરમાં પાના પત્તા વડે રમાતા જુગાર ધામ ઉપર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જાહેરમાં જુગાર રમતાં મુસ્તુફા યુસુફભાઈ મન્સુરી (રહે. ગોધરા, જિ.પંચમહાલ), સલામ એહમદા મલા (રહે. ગોધરા, જિ. પંચમહાલ), સલીમ અબ્દુલરહેમાન બદામ (રહે. ગોધરા, જિ.પંચમહાલ), ઈકબાલ અબ્દુલ મનકી (રહે. ગોધરા, જિ.પંચમહાલ), વિનોદભાઈ સોમાભાઈ બારીઆ (રહે. રૂઆબારી, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને ફરાર સત્તાર ઉર્ફે બોખો અબ્દુલા શુક્લા (રહે. કાપડી, દેવગઢ બારીઆ, જિ.દાહોદ) પૈકી પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૪૯,૮૮૦, ત્રણ મોબાઈલ ફોન અને એક ટુ વ્હીલર વાહન મળી પોલીસે કુલ રૂા. ૯૫,૮૮૦નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.