દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો..
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક શાળામાં યોજાયેલ બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં એક ઉમેદવારના સ્થાને ઉમેદવારે પોતાના અન્ય એક મિત્રને પરીક્ષાનું પેપર લખવા પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલી પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરને આ બાબતની જાણ થતાં શાળા સંકુલ સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડમી ઉમેદવારે પોતાના મિત્રની પરીક્ષા આપતાં સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગતરોજ સમગ્ર ગુજરાતમાં બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે આવેલ કમલ હાઈસ્કુલ ખાતેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં બીનસચીવાલય ક્લાર્કની પરીક્ષામાં સુભાષભાઈ પ્રતાપસિંહ બારીઆ (રહે. મેડી, ફળિયા, તોયણી, તા.દેવગઢ બારીઆ) એ પણ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેને પોતાના મિત્ર અરવિંદભાઈ રતનભાઈ કટારા (રહે. કટારા ફળિયુ, તોયણ, તા. દેવગઢ બારીઆ) સાથે પુર્વ આયોજીત કાવતરૂં રચી અરવિંદભાઈને પોતાનું પેપર લખવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલ્યો હતો. પરીક્ષા ચાલુ થતાં પરીક્ષા કેન્દ્રમાં સુપરવાઈઝર તરીકે પોતાની ફરજ બજાવતાં અજયસિંહ રમેશભાઈ ઠાકોર (રહે. સિધ્ધિવિનાયક પાર્ક, દેવગઢ બારીઆ, તા. દેવગઢ બારીઆ) ને કંઈક અજુગતુ લાગતાં તેણે પરીક્ષા આપી રહેલ અરવિંદભાઈ પાસે જઈ પુછપરછ કરતાં ઉપરોક્ત ચોંકાવનારી હકીકત બહાર આવતાં પરીક્ષા ખંડ સહિત પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત સૌ કોઈમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સુભાષભાઈની પરીક્ષા અરવિંદભાઈ પરીક્ષા સભા ખંડ ખાતે આપતાં આ મામલે પોલીસે અરવિંદભાઈની ધરપકડ કરી હતી અને સુભાષભાઈના ધરપકડાના ચક્રોગતિમાન કર્યાં છે.
આ સંબંધે અજયસિંહ રમેશભાઈ ઠાકોરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.