
રાજેશ વસાવે, દાહોદ
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજનના ભાગ રૂપે દાહોદ કલેકટર કચેરી ખાતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.
દાહોદમાં યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધામાં ગૃહ રાજ્ય અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થશે.
દાહોદ, તા. ૧૩ :
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન ભાગ રૂપે દાહોદ કલેકટર કચેરી ખાતે સાસંદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. સાસંદશ્રી એ દેવગઢ બારિયા અને દાહોદ ખાતે યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધાની અધિકારીશ્રીઓ પાસે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન બાબતે જરૂરી સૂચનો કર્યા હતા.
દાહોદમાં યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધામાં રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થશે. ત્યારે સાંસદશ્રીએ વધુમાં વધુ યુવાનો આ સ્પર્ધામાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.
દાહોદમાં આગામી તારીખ ૧૫ થી ૧૭ જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કબડ્ડી, શૂટિંગ બોલ, તિરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટીકસ રમતોનું આયોજન કરાયું છે.
દેવગઢ બારિયા ખાતે ગુજરાતના ગૃહ રાજ્ય અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થવાના છે ત્યારે સાંસદશ્રીએ આ ખેલ સ્પર્ધામાં જિલ્લાના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા ઇજન મળે તે રીતનું આયોજન કરવા સુચન કર્યું હતું.
તા.૧૫મી જૂન થી ૧૭ મી જૂન સુધી સાંસદ ખેલ સ્પર્ધાનું સાગર મહેલ દેવગઢબારિયા રમત ગમત સંકુલ ખાતે આયોજન કરાયું છે. દાહોદના ત્રિવેણી મેદાન, સીટી ગ્રાઉન્ડ ખાતે, સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી બહુમાન કરાશે.
આ બેઠકમાં કલેકટર ડો. હર્ષિત ગોસાવી,જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સરતનભાઈ,જિલ્લા પંચાયતના સદસ્યશ્રી સુધીરભાઈ,જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.