
દાહોદમાં વાહનચોર ટોળકીનો આતંક:એક જ રાતમાં ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી…
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં મોટરસાઈકલ ચોર ટોળકીનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાંથી એકજ રાત્રીમાં એક સાથે ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરમાં આવેલ સંગમ પાર્ક, મોઢીયા સોસાયટી ખાતે રહેતાં મગનભાઈ પરથીભાઈ પરમાર, અભિષેક પ્રવિણભાઈ પવાર અને ગરવરસિંહ મોકમસિંહ કઠોટાની પોતપોતાની મોટરસાઈકલ પોતપોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ત્રણેય મોટરસાઈકલોને ગત તા.૧૫મી મેના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલોનું લોક તોડી ત્રણેય મોટરસાઈકલો ચોરી કરી લઈ જતાં મોટરસાઈકલ ચોર ટોળકીના આતંકને પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ સંબંધે મગનભાઈ પરથીભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————–