
બાબુ સોલંકી, સુખસર
દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના ગરીબ લાભાર્થીઓને જિલ્લા સમાજ કલ્યાણ શાખામાં ચલાવાતા મનસ્વી વહીવટથી હળહળતો અન્યાય..?
અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને આંબેડકર આવાસ,સફાઈ કામદાર આવાસનો લાભ આપવા ઉદાસીનતા જ્યારે મળતિયાઓ પ્રત્યે તંત્ર મહેરબાન કેમ?
દાહોદ સમાજ કલ્યાણ શાખા દ્વારા વર્ષ-2022 માં સફાઈ કામદારોને ફાળવવામાં આવેલ ગટર સફાઈ માટેના ઓઇલ એન્જિનમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમો.
અનેક ગરીબ લાભાર્થીઓને આંબેડકર આવાસ,સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ આપવા સમાજ કલ્યાણ શાખાનાજ કેટલાક કર્મચારી ઓએ ગરીબ લાભાર્થીઓ પાસે હજારો રૂપિયાનું ઉઘરાણું કરી યોજનાનો લાભ નહીં આપી કરેલ છેતર પિંડીની ફરિયાદો.
દાહોદ સમાજ કલ્યાણ શાખામાં ચાલતા મનસ્વી વહીવટ સહિત સાચા લાભાર્થીઓ સાથે થતા અન્યાય સંદર્ભે ટૂંક સમયમાં જિલ્લા લેવલ થી લઇ કેન્દ્ર સરકાર સુધી થનાર ઉગ્ર રજૂઆત.
દાહોદ સમાજ કલ્યાણ શાખા માંથી આરટીઆઈ દ્વારા માહિતી માંગતા ભ્રષ્ટાચારના પોપડા દબાવવાના ઇરાદાથી મહિનાઓ સુધી માહિતી અપાતી નથી: બાબુ સોલંકી.
સુખસર,તા.15
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ (અનુસૂચિત જાતિ )શાખા દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના રોહિત, વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબ લાભાર્થીઓને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામેલ છે.જ્યારે આ શાખામાં જવાબદાર અધિકારીઓ દ્વારા મનસ્વી વહીવટ ચલાવાઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો થવા પામેલ છે.તે બાબતે ટૂંક સમયમાં જિલ્લા લેવલ થી લઈ કેન્દ્ર સરકાર સુધી સંપૂર્ણ વિગતો સાથે રજૂઆત થનાર હોવાનું જાણવા મળે છે.અને આ શાખામાં વર્ષોથી ચાલતા ગેરવહીવટ માં કરોડો રૂપિયાના આચરવામાં આવેલ ભ્રષ્ટાચારના પોપડા દૂર થઈ અનુસુચિત જાતિના લોકોને ન્યાય મળશે તેમ જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા દ્વારા અનુસુચિત જાતિના ગરીબ પરિવારોને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે.જેમાં રોહિત તથા વણકર સમાજના લાભાર્થીઓને આંબેડકર આવાસ યોજનાનો જ્યારે વાલ્મિકી સમાજને સફાઇ કામદાર આવાસ યોજનામાં એક લાખ વીસ હજાર રૂપિયા મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે.જેમાં જિલ્લામાંથી જૂજ લાભાર્થીઓને લાભ આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.તેમાં પણ મળતીયા લોકોના આવાસ યોજનાના મકાનોની સહાય મંજુર કરવામાં આવે છે.જ્યારે કેટલાક જે ગરીબ સાચા લાભાર્થીઓ છે જેઓ હાલ પણ જર્જરિત ઝુપડા ઓમા જીવન વિતાવતા હોવાનું જોવા મળે છે.જ્યારે કેટલાક માલદાર લોકો આ લાભ ઉઠાવી જતા ગરીબ લાભાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે.અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે જિલ્લાના કેટલા તાલુકા ઓમાન આવાસ યોજનાની સહાય આપવાના બહાના હેઠળ દાહોદ સમાજ કલ્યાણ શાખા ના કેટલાક કર્મચારીઓ દ્વારા ગરીબ લોકો પાસેથી હજારો રૂપિયા ઉઘરાણું કરી સમય વિતવા છતાં આજ દિન સુધી આવાસ યોજનાનો લાભ નહીં આપી છેતરપિંડી કરવામાં આવેલ હોવાના પણ દાખલા મોજૂદ છે. તેમજ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તંત્રના જવાબદારો દ્વારા મળતિયા તકવાદી લોકોના માધ્યમથી અનેક સાચા-ખોટા લાભાર્થીઓને લાભ આપી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. આંબેડકર આવાસ તથા સફાઈ કામદાર આવાસ યોજનાની છેલ્લા પાંચ વર્ષની વિગતોની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાના ગોટાળા પ્રકાશમાં આવી શકે તેમાં કોઈ બેમત નથી.
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા દ્વારા વર્ષ-2022 માં જિલ્લાના તમામ તાલુકાઓ માટે ગટર સફાઈ માટેના ઓઈલ એન્જિનની સ્કીમ બહાર પાડવામાં આવેલ હતી.તેમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.અને આ યોજનામાં ઓઇલ એન્જિનનો જે- જે લાભાર્થીઓ લાભ મેળવતા હોય તેઓને ઓઇલ એન્જિન આપવાનું હોય છે.પરંતુ દાહોદ સમાજ કલ્યાણ શાખા દ્વારા જે-તે લાભાર્થીને ચેકથી રોકડ નાણાં આપી ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.ગટર સફાઈ ઓઇલ એન્જીન લાભાર્થીઓમાં ખાસ કરીને લીમખેડા,ધાનપુર, ગરબાડા તાલુકા ઓમા ઝીણવટપૂર્વક તપાસ કરવી ખાસ જરૂરી છે તેમજ અન્ય તાલુકાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવે તો ગટર સફાઈ ઓઇલ એન્જિનમાં થયેલ ગોટાળા પ્રકાશમાં આવી શકે તેમ છે.હાલ કોઈ તાલુકાના લાભાર્થી પાસે ઓઇલ એન્જિન જોવા મળતા નથી.
અહીંયા યાદ અપાવવું જરૂરી છે કે,વર્ષ-1999 માં પંચમહાલ જિલ્લા સમાજ કલ્યાણ(અનુસૂચિત જાતિ) શાખાના જવાબદારો દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે અન્યાય થતાં તેની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવતા કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે હાલ દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખામા ચાલતા ગેર વહીવટની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરાય તો અનુસૂચિત જાતિના લોકોને વર્ષોથી થતા અન્યાયની સાચી તસવીર પ્રકાશમાં આવી શકે તેમ છે.
દાહોદ સમાજ કલ્યાણ શાખા દ્વારા ચલાવાતા મનસ્વી વહીવટની પોલ છતી થાય નહીં તે હેતુથી આરટીઆઈ દ્વારા માહિતી માંગતા સમયમર્યાદા અથવા તો સમય મર્યાદા પછી પણ માહિતી આપવામાં આવતી નથી.અને તંત્રના જવાબદારો દ્વારા ભ્રષ્ટાચારના પોપડાઓને દબાવવાની કોશિશ કરવામાં આવે છે.પરંતુ દાહોદ સમાજ કલ્યાણ શાખાના ગેરવહીવટની સંપૂર્ણ વિગતો સાથે ટૂંક સમયમાં જિલ્લા લેવલથી લઇ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત થનાર હોવાનું જાણવા મળે છે.