
દાહોદ જિલ્લા વહીવટી તંત્રની નવતર પહેલ ‘પ્રયાસ’ : એન્જીન્યિરીંગ તેમજ મેડીકલ એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ફ્રી અને કવોલિટી કોચિંગ અપાશે
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને દાહોદનાં મેઘાવી વિદ્યાર્થીઓની ક્ષમતા જોતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે નિયમિત કોંચિગ આપવાના વિચારને આધારે પ્રયાસનો આરંભ કરાયો
દાહોદની એન્જીન્યિરિંગ કોલેજ ખાતે સેમીનાર યોજાયો
વિદ્યાર્થીઓને એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટેનો સક્સેસ મંત્ર આપતા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
દાહોદ, તા. ૧૪ :
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી દાહોદની શાળાની મુલાકાત દરમિયાન અહીંના મેઘાવી વિદ્યાર્થીઓની ક્ષમતાનો પરિચય થયો અને તેમને વિદ્યાર્થીઓને એન્જીન્યિરીંગ તેમજ મેડીકલ એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટે જરૂરી કોચિંગ આપવાનો વિચાર આવ્યો. આ વિચારને આધારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘પ્રયાસ’ની પહેલ કરાઇ છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને અનુભવી નિષ્ણાંત કોચ દ્વારા માર્ગદર્શન સેમીનારો યોજાશે.
પ્રયાસની પ્રથમ કડીના ભાગરૂપે આજે એન્જીન્યિરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી તેમજ અન્ય ઉપસ્થિત નિષ્ણાંત કોચ દ્વારા એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ‘પ્રયાસ’ના પ્રારંભના વિચારબીજ વિશે વાત કરી હતી. તેમણે અહીંની એક શાળાની મુલાકાત દરમિયાન અહીંના વિદ્યાર્થીઓમાં એન્જીન્યિરીંગ તેમજ મેડીકલ એન્ટ્રસ એકઝામ પાસ કરવાની ક્ષમતા જણાઇ હતી અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે કંઇક કરવાના ભાગરૂપે પ્રયાસની પહેલનો આરંભ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત રીતે પરીક્ષા માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે આ પ્રકારના સેમીનાર યોજવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. નેહા કુમારી ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને એકઝામ બાબતના પોતાના અનુભવો જણાવ્યા હતા.
કાર્યક્રમમાં નિષ્ણાંત કોચ અને આઇઆરએસએમઇ (ઇન્ડીયન રેલવે)ના શ્રી ગૌરવ જોષી તેમજ રેલ્વે પ્રોજેક્ટ મેનેજરશ્રી જગદંબા પ્રસાદજીએ વિદ્યાર્થીઓને એન્ટ્રસ એકઝામ પાસ કરવા માટે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમીનારમાં ૧૨૮ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ વિદ્યાર્થીઓને સેમીનારમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે એન્જીન્યિરીંગ કોલેજના આચાર્યશ્રી સહિતના અધિકારીશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.