
સુમિત વણઝારા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં દાહોદનાં ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નાગરિકોને મોટી સંખ્યામાં સહભાગી થવા અપીલ કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે સરપંચશ્રીઓ-પદાધિકારીશ્રીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાયો
દાહોદ, તા. ૧૩ :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રીશ્રીના દાહોદનાં ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે જિલ્લાના સરપંચશ્રીઓ અને પદાધિકારીઓ માટે એક દિવસીય માર્ગદર્શન કાર્યક્રમ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો.
આ અવસરે સરપંચશ્રીઓ તેમજ પદાધિકારીઓને માર્ગદર્શન આપતા જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારથી દેશની શાસનધૂરા સંભાળી છે ત્યારથી દેશ અનેક ક્ષેત્રોમાં વિકાસના નવસોપાનો સર કરી રહ્યો છે. એટલું જ નહી દેશે વિશ્વમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દાહોદમાં પણ પ્રધાનમંત્રીશ્રી કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે તેમજ પ્રારંભ કરાવશે.
તેમણે ઉમેર્યું કે, સરપંચ એ ગામનો માલીક છે. ગામના વિકાસમાં સરપંચોની ભૂમિકા મહત્વની છે. ત્યારે આગામી તા. ૨૦ એપ્રીલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સરપંચો સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં સહભાગી થાય.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ પણ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા નાગરિકો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનું જણાવી નાગરિકોને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ પણ આ પ્રસંગે જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થવા અપીલ કરી હતી.
દાહોદ નગરના પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, પદાધિકારીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦