
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્માર્ટ સીટી દાહોદમાં રૂ. ૧૭૪.૫૫ કરોડના સાત નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે
વોટર સ્કાડા પ્રોજેક્ટ થકી પીવાના પાણીના ગુણાત્મક અને માત્રાત્મક માપદંડનું મોનિટરીગ કરી શકાશે
નગર પાલિકાના અદ્યતન ભવનનું નિર્માણ રૂ.૧૮.૭૮ કરોડના ખર્ચે કરાશે
ટ્રાયબલ મ્યુઝીયમ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૫.૬૭ કરોડ ખર્ચે ગ્રીન બિલ્ડીંગ તરીકે વિકસાવાશે
રૂ. ૬૪.૯૧ કરોડના સ્પોર્ટસ કોમ્પલેક્સ પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ઉભું કરાશે
સ્માર્ટ સીટી અંતર્ગત નગરને બે અત્યાદ્યુનિક સુવિધાઓ સાથેના પુસ્તકાલયો તેમજ શાળા મળશે
સ્માર્ટ સીટીમાં ટ્રક ટર્મિનલ અને એનિમલ શેલ્ટર પ્રોજેક્ટ રૂ. રૂ. ૩૬.૯૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે
દાહોદ તા.09
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ એક સો શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ નગરનો પણ સમાવેશ કરાયો છે. સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જ્યાં નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રી આગામી તા.
૨૦ એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે ત્યારે દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત નવા સાત પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવશે. ત્યારે સ્માર્ટ સીટીને મળનારા આ નવા સાત પ્રોજેક્ટ વિશે વિગતે વાત કરીએ.
સ્માર્ટ સીટીના આ સાત પ્રોજેક્ટમાં રૂ. ૬.૩૩ કરોડનો વોટર સ્કાડા પ્રોજેક્ટને આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ સાથે સંકલિત કરવામાં આવશે. વોટર સ્કાડા પ્રોજેક્ટ થકી પીવાના પાણીના ગુણાત્મક અને માત્રાત્મક માપદંડનું મોનિટરીગ કરી શકાશે. તેમજ પાણીનો વ્યય થતો અટકશે અને કાર્યક્ષમતા પણ વધશે. તેમજ ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ ઉપર વપરાતા મશીનરીના મેન્ટેનન્સ ઉપર પણ ધ્યાન આપી શકાશે.
સ્માર્ટ સીટી અંતર્ગત નગર પાલિકાના અદ્યતન ભવનનું નિર્વાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ગ્રીન બિલ્ડીંગ તરીકે નિર્માણ પામનારા ભવનમાં વોર રૂમ, વિડિયો કોન્ફરન્સ રૂમ સહિતના અત્યાદ્યુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ભવનનું નિર્માણ રૂ.૧૮.૭૮ કરોડના ખર્ચે થશે.
સ્માર્ટ સીટીના અન્ય એક મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાયબલ મ્યુઝીયમનું નિર્માણ કરાશે. જયાં એક્ઝિબિશન હોલ, એમપીથિયેટર, કાફેટેરિયા, સોલર પ્લાન્ટ, આદિવાસી સમાજની સંસ્કૃતિ દર્શાવાશે. આ મ્યુઝીયમ રૂ. ૧૫.૬૭ કરોડ ખર્ચે ગ્રીન બિલ્ડીંગ તરીકે વિકસાવાશે.
સ્માર્ટ સીટીના સ્પોર્ટસ કોમ્પલેક્સ પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ઉભું કરાશે. જયાં બેડમિંટન, બાસ્કેટ બોલ, વોલી બોલ, કબડ્ડી જેવી રમતો માટે મલ્ટીપરપઝ ઇન્ડોર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે. તેમજ ફીફા સ્તરનું ફૂટબોલ ગ્રાઉન્ડ, એથલેટીક ટ્રેક જેવી આઉટ ડોર ગેમ સહિત ઓલ્મપિક સાઇઝનું સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવશે. સ્માર્ટ સીટીનો આ પ્રોજેક્ટ રૂ. ૬૪.૯૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.
સ્માર્ટ સીટી અંતર્ગત નગરને બે અત્યાદ્યુનિક સુવિધાઓ સાથેના પુસ્તકાલયો પણ મળશે. જેનું નિર્માણ રૂ. ૧૩.૩૫ કરોડના ખર્ચે કરવામાં આવશે. તેમજ નગરમાં બે પ્રાથમિક શાળાઓ પણ સ્માર્ટ સીટી અંતર્ગત બનાવવામાં આવશે. આ શાળાઓના ભવન પણ ગ્રીન બિલ્ડીંગ તરીકે તૈયાર કરાશે. આ શાળાઓ રૂ. ૧૮.૬૧ કરોડના ખર્ચે પૂર્ણ કરાશે.
તદ્દઉપરાંત સ્માર્ટ સીટીમાં ટ્રક ટર્મિનલ અને એનિમલ શેલ્ટર પ્રોજેક્ટનો પણ પ્રધાનમંત્રીશ્રી પ્રારંભ કરશે. જેમાં નગરમાં ટ્રકોના પ્રવેશને અટકાવી ટ્રાફિકનો ભાર હળવો કરવા ગોડાઉન સુવિધા સાથે ટ્રક ટર્મિનલનું બનાવવામાં આવશે. જયાં ટ્રક ડ્રાઇવરો માટે ડોરમેટરી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સાથે આ પ્રોજેક્ટમાં પશુઓ પક્ષીઓ માટે એનિમલ શેલ્ટર પણ તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ રૂ. ૩૬.૯૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.
૦૦૦