
રાજેશ વસાવે દાહોદ
દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએ 5.61 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો:કુલ 5 સામે ગુનો નોંધાયો…
દાહોદ તા.25
દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદા જુદા બનાવોમાં 61,100 રૂપિયા કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.જયારે અન્ય બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો રોડ પર ફેંકી પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યા છે.ત્યારે પોલીસે એક ફોર વહીલર ગાડી તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 5.61 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ પાંચ ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો પહેલો બનાવ ઝાલોદ તાલુકાના પાવડી SRP કેમ્પની પાસે બનવા પામ્યો છે.જેમાં અરવિંદ ઉર્ફે નિલેશ ફુલાભાઇ વહોનિયા રહેવાસી પીસોઈ બારીયા ફળિયું સીંગવડ, મુકેશ ડામોર વરખ ફળિયું તેમજ સંજય ભાઈ પગી રહે.માતાના પાડલા સીંગવડ નાઓએ પોતાના કબ્જા હેઠળની GJ-18-U-9380 નંબરની મહિન્દ્રા બોલેરો ગાડીમાં મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો ભરી સીંગવડ તરફ જઈ રહ્યા હતા.ત્યારે રસ્તામાં ઝાલોદ તાલુકાના પાવડી નજીક SRP કેમ્પ પાસે વોચમાં ઉભેલી લીમડી પોલીસે તેઓને રોકતા મુકેશ ડામોર તેમજ સંજય પગી પોલીસને ચકમો આપી ભાગી ગયા. જયારે અરવિંદ ભાઈ નિલેશભાઈ વહોનિયાને પોલીસે ઝડપી ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની 264 બોટલો મળી કુલ 29,760 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ પાંચ લાખ રૂપિયા કિંમત ની મહિન્દ્રા બોલેરો ગાડી મળી 5,29,760 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી સુંવાળી ફળીયા નજીક ખાન નદીના પુલ નજીક બન્યો હતો.જેમાં રળીયાતી સાંસીવાડ ખાતેનો રહેવાસી આનંદ રાયસીંગ સાંસી તેના મિત્ર જોડે મળી મોટર સાઇક્લ પર કંથાનના લગડામાં વિદેશી દારૂ ભરીને આવતો હતો.તે સમયે રસ્તામાં પોલીસે તેનો પીછો કરતા આનંદ રાયસીંગ સાંસી કંથાણ નો લગડો રસ્તામાં ફેંકી તેના મિત્ર જોડે ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે કંથાનના લગડાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્કાની 152 બોટલો મળી 31,340 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દારૂની હેરફેરમાં સામેલ બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.