રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત દાહોદ ખાતે સી.ડી.પી.ઓની માસિક રીવ્યુ બેઠક યોજાઈ*
દાહોદ તા. 1
જિલ્લા પંચાયત, દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને સી.ડી.પી.ઓની માસિક રીવ્યુ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત વિવિધ યોજનાઓ તથા કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત, AVT, લાભાર્થી કવરેજ, FRS માધ્યમથી THR વિતરણ, આંગણવાડી કેન્દ્રોના બાંધકામ, સુપોષિત દાહોદ, બાકી બિલોના ચુકવણા તથા ગ્રેજ્યુઈટી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં FRS માધ્યમથી THRનું વિતરણ દર મહિનાની ૨૫મી તારીખ સુધીમાં 100% પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સી.ડી.પી.ઓશ્રી તથા મુખ્ય સેવિકાશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવે અને એજ દિવસે AVT એપ્લિકેશનમાં મુલાકાતની એન્ટ્રી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પોષણ સુધા યોજનાના બાકી ચૂકવણાં અંગે સંબંધિત CDPOશ્રીઓને નોટિસ આપી લેખિત ખુલાસો મેળવવા તેમજ ઓગસ્ટ માસ સુધીના તમામ બાકી ચૂકવણાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
ટેકો મુજબ લાભાર્થીઓની બાકી એન્ટ્રી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં પૂર્ણ કરવા, તેમજ પોષણ સંગમ એપ્લિકેશનમાં ઘટક કક્ષાએ આંગણવાડી કાર્યકરોની બેઠક યોજી 100% એન્ટ્રી પૂર્ણ કરાવવા પણ સૂચના આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઊંચાઈની એન્ટ્રી પોષણ ટ્રેકરમાં 100% સાચી રીતે દર્શાવવામાં આવે તે માટે ઘટક કક્ષાના સ્ટાફ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સ્થાનિક પદાધિકારીશ્રીના હસ્તે કરાવવા, બાંધકામમાં આવતી જમીન સંબંધિત સમસ્યાઓનું તાલુકા સંકલન બેઠકમાં નિરાકરણ લાવવા તથા સુપોષિત દાહોદ પોર્ટલ પર આંગણવાડી કેન્દ્રોના દૈનિક ફોટોગ્રાફ્સ આંગણવાડી કાર્યકર દ્વારા નિયમિત અપલોડ થાય તે સુનિશ્ચિત કરવા CDPOશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ દ્વારા ICDSની વિવિધ યોજનાઓનો લાભ જિલ્લાના છેવાડાના પાત્ર લાભાર્થી સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને જવાબદારીપૂર્વક અને સંકલિત રીતે કામગીરી કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. સુધીર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે ICDSની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે વધુ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
૦૦૦
