રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એક જ દિવસમાં સરેરાશ 25.82 મિ.મી. વરસાદ; IMDની આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી
દાહોદ, તા. 31 જુલાઈ

દાહોદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે તમામ શાળા કોલેજોની રજા બે દિવસથી જાહેર કરવામાં આવી છે સાથે જ NDRF તેમજ SDRF ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાક દાહોદ જિલ્લામાં દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. જેમાં ડિઝાસ્ટર જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ જિલ્લામાં સરેરાશ 25.82 મિ.મી. વરસાદ વરસ્યો છે, જ્યારે ચાલુ સિઝનમાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 243.64 મિ.મી. સુધી પહોંચી ગયો છે.

દાહોદ જિલ્લામાં વીતેલા 24 કલાકના આંકડામાં સૌથી વધુ વરસાદ લીમખેડા અને સંજેલી તાલુકામાં 48-48 મિ.મી. નોંધાયો છે. ત્યારબાદ ગરબાડા 47 મિ.મી., દાહોદ 43 મિ.મી., સિંગવડ 32 મિ.મી., દેવગઢ બારીઆ 31 મિ.મી., સુખસર 16 મિ.મી., ધાનપુર 9 મિ.મી., ગોવિંદ ગુરુ લીમડી 8 મિ.મી. અને ઝાલોદમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ફતેપુરા તાલુકામાં આજે વરસાદ નોંધાયો નથી.
*IMDની આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી*
ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા રાત્રે 7:00 વાગ્યે જાહેર કરાયેલા નાઉકાસ્ટ મુજબ આગામી 3 કલાક દરમિયાન દાહોદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને 41થી 61 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીમાં દાહોદ ઉપરાંત છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ વીજળી પડવાની પણ ઊંચી સંભાવના (60 ટકાથી વધુ) દર્શાવવામાં આવી છે.
