રાજેશ વસાવે :- દાહોદ
*અધૂરા માસે જન્મેલી નવજાત બાળકી માટે PM-JAY યોજના બની આશીર્વાદરૂપ*
*લીમખેડાના જેતપુરની નવજાત બાળકીની આયુષ્માન યોજના હેઠળ ત્રણ મહિના મળી મફત સારવાર*
દાહોદ તા. 12
*દાહોદ સફળ ગાથા*
આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ આજે દેશના કરોડો ગરીબ પરિવારો માટે આશાનું કિરણ સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામના એક સામાન્ય પરિવાર માટે આ યોજના માત્ર એક કાર્ડ નહીં, પરંતુ તેમની નવજાત દીકરી માટે સાક્ષાત જીવનદાયી વરદાન સાબિત થઈ છે.
જેતપુર ગામના બારિયા રંજનબેનને પ્રસુતિ દરમિયાન જટિલતા સર્જાતાં અધૂરા માસે જન્મેલી બાળકીનું જન્મ સમયે વજન માત્ર ૧.૪૦ કિલોગ્રામ હતું. ગંભીર સ્થિતિને લીધે તેને ICU સારવારની અનિવાર્ય જરૂર હતી, પરંતુ પરિવાર પાસે આર્થિક સંકટ અને તે સમયે આયુષ્માન કાર્ડ ન હોવાથી ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ કટોકટીમાં ગામના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) એ ત્વરિત કામગીરી કરી ઓનલાઈન આયુષ્માન કાર્ડ જનરેટ કરી આપ્યું. પરિણામે, બાળકીને ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સઘન સારવાર મળી. ૩ મહિનાની નિષ્ણાત તબીબી દેખરેખ બાદ આજે બાળકીનું વજન વધીને ૨.૫૦૦ કિલોગ્રામ થયું છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. સાથે જ, RBSK ટીમ દ્વારા બાળકીનું નિઃશુલ્ક ROP સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.
લાખો રૂપિયાના ખર્ચવાળી આ સારવાર આયુષ્માન યોજનાને કારણે નિઃશુલ્ક મળવાથી આ પરિવારે સરકાર અને આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટના સાબિત કરે છે કે PM-JAY યોજના છેવાડાના માનવી સુધી પહોંચતું સાચું આરોગ્ય કવચ છે.
“આયુષ્માન કાર્ડ – આરોગ્ય સુરક્ષાનું કવચ, દરેક પરિવાર માટે આશાનું કિરણ.”
00000
