GIDC રદની માંગ વધુ ઉગ્ર બની: દાહોદમાં 13 ઓગસ્ટે ખેડૂતોની મહારેલી,18થી અનિશ્ચિત મુદતના ધરણાંની ચીમકી છાંયણ ગામે ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ .

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

GIDC રદની માંગ વધુ ઉગ્ર બની: દાહોદમાં 13 ઓગસ્ટે ખેડૂતોની મહારેલી,18થી અનિશ્ચિત મુદતના ધરણાંની ચીમકી

છાંયણ ગામે ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ .

પાંચ વિકાસ યોજનાઓના અસરગ્રસ્ત ખેડૂતોને એક મંચ પર લાવવાનો નિર્ણય, 

માંગ નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની પણ જાહેરાત

દાહોદ તા.01

 

દાહોદ જિલ્લાના છાંયણ ગામે આદિવાસી ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગીની અધ્યક્ષતામાં GIDC રદ કરવાની માંગને લઈને આગેવાનો અને ખેડૂતોની વિસ્તૃત બેઠક યોજાઈ હતી. બેઠકમાં આવનારા દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો અને વિવિધ વિસ્તારોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી તા. 13 ઓગસ્ટ ના રોજ દાહોદ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ GIDC વિસ્તારના ખેડૂતો, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, નવી રેલવે લાઈન તેમજ દહેગામ-કુશલગઢ ફોર લેન માર્ગ સહિત પાંચ વિવિધ વિકાસ યોજનાઓના અસરગ્રસ્ત ખેડૂતો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અંતિમ અલ્ટીમેટમ આપશે.

 

આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જો 17 ઓગસ્ટ, 2026 સુધી તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 8 ઓગસ્ટ થી જિલ્લા કલેક્ટર કચેરી બહાર અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કરવામાં આવશે. તેમ છતાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગીએ આમરણ ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી.

બેઠકની શરૂઆતમાં અગાઉ વિરોધ પ્રદર્શન દરમિયાન જેલવાસ ભોગવેલા સાત ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ પક્ષીય ઓળખથી ઉપર ઉઠીને ખેડૂત તરીકે ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કનુભાઈ ડામોર, સંજય નિનામા, મુકેશ ડામોર, બનતી હઠીલા, રાજેશ ડામોર, અમરસિંહ માવી, અનિલ ગરાસિયા, અર્પિત વસૈયા, જગુ સંગાડા, એમને મુનિયા, દીપસિંહ બારિયા, ચીમન વસૈયા સહિત અનેક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

Share This Article