સુખસર સંજેલી તથા ફતેપુરા તાલુકામાં વરસાદના અભાવે ચોમાસુ ખેતી સદંતર નિષ્ફળ નિવડવાના એંધાણ વર્તાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર સંજેલી તથા ફતેપુરા તાલુકામાં વરસાદના અભાવે ચોમાસુ ખેતી સદંતર નિષ્ફળ નિવડવાના એંધાણ વર્તાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ*

*ચોમાસુ પાકો નિષ્ફળતાના આરે,રવિ સિઝન માટે ખેડૂતો આશા ખોઈ બેઠા છે, આવનાર સમયમાં પ્રજાને પીવાના પાણી માટે વિકટ પરિસ્થિતિ ઊભી થવાના સંકેત*

( પ્રતિનિધિ ) સુખસર,તા. 8

      ચોમાસાનો અડધો સમય વીતી ગયો હોવા છતાં સુખસર,સંજેલી તથા ફતેપુરા તાલુકામાં આજ દિન સુધી સારો કહી શકાય તેવો વરસાદ થઈ શક્યો નથી. હાલ નદી નાળા તળાવો અને કુવાઓ મા ટીપું પાણી પણ જોવા મળતું નથી.જ્યારે સામાન્ય વરસાદથી ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવી પોતાની ખેતીમાં વાવેતર કરી ચૂક્યા હતા‌.અને હાલ સુધીમાં માત્ર છાંટાછાંટી કહી શકાય તેટલા વરસાદથી ખેતી પાકો પોતાનું અસ્તિત્વ બચાવી રહ્યા હતા.પરંતુ હાલમાં વરસાદના કોઈ એંધાણ નહીં જણાતાં ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ જવાના એંધાણ જણાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ રહ્યા છે. અને હાલ સુધીમાં રવિ સિઝનના પાકો માટે ખેડૂતોને કોઈ જ આશા રહી નથી તેમજ આવનાર સમયમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ જણાઈ રહ્યા છે.

       સુખસર,સંજેલી તથા ફતેપુરા તાલુકામાં ચોમાસાના આગમન બાદ મોડે મોડે સામાન્ય વરસાદ થતાં ખેડૂતોએ ખેતીમાં મકાઈ,સોયાબીન,તુવર,ડાંગર,અડદ જેવા ખેતી પાકો માટે ખેતરોમાં વાવણી કરી વધુ વરસાદની રાહ જોઈ રહ્યા હતા.પરંતુ હાલ સુધીમાં અડધું ચોમાસુ વિતવા છતાં સારો કહી શકાય અથવા સંપૂર્ણ ખેતીલાયક કહી શકાય તેવો વરસાદ થયેલ નથી. જ્યારે હાલ સુધીમાં સામાન્ય છાંટા છાંટી કહી શકાય તેવો વરસાદ થયેલ છે.અને જેના લીધે કેટલીક ખેતીને જીવત દાન મળતું આવ્યું હતું.પરંતુ હાલ થોડા દિવસથી છાંટા છાંટી જેવો વરસાદ પણ નહીં થતાં ખેડૂતોના ખેતી પાકો કરમાઈ રહ્યા છે.અને હજી થોડા દિવસમાં વરસાદ નહીં થાય તો આ તમામ પાકો નિષ્ફળ જવાના એંધાણ વર્તાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

         જોકે વરસાદી પાણીના અભાવે હાલની ખેતીતો નિષ્ફળ જશે જ પરંતુ આવનાર શિયાળાની રવિ સીઝન પાકોથી પણ ખેડૂતો વંચિત રહેશે તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે.અને સાથે સાથે આવનાર સમયમાં પીવાના પાણીની કટોકટીની ગંભીર સમસ્યા ઊભી થાય તેવું પણ નિર્માણ થઈ રહ્યું છે.જોકે ગત વર્ષે ચોમાસાની સિઝન નિષ્ફળ ગઈ હતી.શિયાળાની સિઝનમાં રવિ પાકોમાં પણ ખાસ કાંઈ ઉપજ થઈ ન હતી.જ્યારે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદના અભાવે ખેતી નિષ્ફળ જાય તેવા સંજોગો ઊભા થયેલ છે.અને આવનાર શિયાળાની રવિ સિઝનથી પણ ખેડૂતો વંચિત રહે તેવા સંજોગો સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામેલ છે.

Share This Article