૯.૪૪ કરોડ ખેડૂતોના ખાતામાં કરોડોની સહાય: ગરબાડા ખાતે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયારની હાજરીમાં ઉજવાયો કિસાન ઉત્સવ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

૯.૪૪ કરોડ ખેડૂતોના ખાતામાં કરોડોની સહાય: ગરબાડા ખાતે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયારની હાજરીમાં ઉજવાયો કિસાન ઉત્સવ

દાહોદ તા. ૨૦

દેશના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ અને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘પીએમ કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) યોજના અંતર્ગત એક વિશાળ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દેશભરમાં કિસાન ઉત્સવ મનાવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગરબાડા તાલુકા મથકે યોજાયેલા આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ અમલીયારદ્વારા ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર કઈ રીતે ખેડૂતોની પડખે ઉભી છે તેની ચર્ચા કરી ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન શૈલેષભાઈ દેવધા પણ મંચ પર હાજર રહી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. દેશના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂતોને સીધો લાભ આ ભવ્ય યોજના અંતર્ગત વડાપ્રધાનના હસ્તે દેશભરના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹૧૮,૮૮૦ કરોડથી પણ વધુની માતબર રકમ સીધી જ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) માધ્યમથી જમા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ગરબાડા ખાતે ખેડૂતોએ નિહાળ્યું હતું.

ખેડૂતોને કુદરતી આફતો અને બદલાતા હવામાન સામે રક્ષણ આપવા માટે આ પ્રસંગે ‘પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના’ અંતર્ગત પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી, જેથી પાક નુકસાની સામે ગરબાડા સહિત દેશભરના ખેડૂતોને આર્થિક કવચ મળી રહે.

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની આ કલ્યાણકારી યોજનાઓને હર્ષભેર આવકારી હતી.

Share This Article