એમ્બ્યુલન્સમાં દર્દી નહીં, 86.30 લાખના પોષ ડોડા! ઝાલોદ પોલીસે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો
મુનખોસલા ગામના હોળી પીપળા ફળિયા પાસેથી બાતમીના આધારે કાર્યવાહી;
રાજસ્થાનના ચાલકની ધરપકડ, એમ્બ્યુલન્સ સહિત કુલ ₹89.30 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ, તા. 27
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામના હોળી પીપળા ફળિયા નજીકથી ઝાલોદ પોલીસે દર્દીઓની સેવામાં ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરીને ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસે એમ્બ્યુલન્સમાંથી અફીણના છોડના સૂકા ભાગ તરીકે ઓળખાતા પોષ ડોડા અને જીંડવાનો અંદાજિત ₹86.30 લાખનો જથ્થો કબજે કર્યો છે. એમ્બ્યુલન્સ સહિત કુલ ₹89.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ગેરકાયદે માદક પદાર્થનો જથ્થો મધ્યપ્રદેશના મંદસોર વિસ્તારમાંથી ભરીને રાજસ્થાનના બાડમેર તરફ લઈ જવાઈ રહ્યો હતો. દરમિયાન ઝાલોદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હોળી પીપળા ફળિયા વિસ્તારમાં સઘન નાકાબંધી અને પેટ્રોલિંગ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.
શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકીને તેની ઝીણવટભરી તપાસ કરતાં અંદર સફેદ પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલા પોષ ડોડા અને જીંડવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દર્દીઓના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇમરજન્સી વાહનનો નશાના વેપાર માટે ઉપયોગ થતો હોવાનું સામે આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત બની હતી.
આ કેસમાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલક ભવરામ રેખારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર નેટવર્ક, જથ્થાના સ્ત્રોત અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યો નવો રૂટ.!
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે માદક પદાર્થોના તસ્કરો મધ્યપ્રદેશથી સીધા રાજસ્થાનમાં પ્રવેશવાને બદલે ગુજરાતના સરહદી વિસ્તારોનો ઉપયોગ કરી રાજસ્થાનમાં પ્રવેશી રહ્યા છે. રાજસ્થાન બોર્ડર પરના પોલીસ ચેકિંગથી બચવા માટે તસ્કરોએ આ નવો રૂટ અપનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ સરહદી વિસ્તારોમાં નશાના આંતરરાજ્ય નેટવર્ક અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ આજ રૂટ નો ઉપયોગ કરીને અગાઉ પણ મોટી સંખ્યામાં પોષડોડા રાજસ્થાનમાં પ્રવેશે તે પહેલા દાહોદ પોલીસે મોટી ખેપ પકડી હતી. કારણકે ગુજરાતમાં અફીણની ખેતી થતી નથી એટલે માફીઆઓ સાયકોલોજિકલ ગેમ રમીને આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આ રૂપ બનાવ્યો હતો.
બાતમીદારોના નેટવર્કથી ફરી મોટી સફળતા.
ઝાલોદ પોલીસને બાતમીદારોના મજબૂત નેટવર્કના આધારે વધુ એક મોટી સફળતા મળી છે. દર્દીઓની સેવા માટેની એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરીને નશાના કારોબારને અંજામ આપવાના પ્રયાસને નિષ્ફળ બનાવી પોલીસે આંતરરાજ્ય માદક પદાર્થોની હેરાફેરી સામે કડક સંદેશ આપ્યો છે. હાલ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે.
