દાહોદમાં સગીર વયની બાળકી માતા બની પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. બે દિવસ અગાઉ બાળકીને પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરતા પ્રસુતિ કરાઈ, કસુવાવડથી બાળકનું મોત

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં સગીર વયની બાળકી માતા બની પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

બે દિવસ અગાઉ બાળકીને પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરતા પ્રસુતિ કરાઈ, કસુવાવડથી બાળકનું મોત

હોસ્પિટલના તબીબોએ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો.!

દાહોદ તા 01

દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જેમાં અંદાજે 15 વર્ષીય સગીર બાળકી માતા બની હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને જોઈને પોલીસ પણ ચોકી ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ અગાઉ બાળકીના પેટમાં તીવ્ર દુખાવો થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ પ્રસુતિ કરાવવામાં આવી. દુર્ભાગ્યવશ, કસુવાવડને કારણે નવજાત બાળકનું મોત થયું હતું. આ ઘટના અંગે હોસ્પિટલના તબીબોએ પોલીસને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને POCSO Act અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર પ્રકરણમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સગીર વયની બાળકી સાથે શારીરિક સંબંધ કોણે બાંધ્યા અને કયા સંજોગોમાં તે ગર્ભવતી બની હતી .? આ દિશામાં પોલીસે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા વ્યક્તિઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય બાબત છે કે આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ સમાજ માટે ચેતવણી સમાન છે. બાળકોની સુરક્ષા, માર્ગદર્શન અને યોગ્ય સંસ્કાર માટે માતા-પિતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

માતા-પિતા બાળકો સાથે ખુલ્લી વાતચીત કરે સાથે જ શાળા અને સમાજમાં યૌન શિક્ષણ અને જાગૃતિ વધારવી જરૂરી બન્યું છે. સાથે જ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તરત જ સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ અટકાવવા માટે સમગ્ર સમાજે જાગૃત બનવું પડશે. બાળકોનું સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવા માટે પરિવાર, શાળા અને સમાજ—ત્રણેનું સહકાર અનિવાર્ય છે.

Share This Article