રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પ્રેમપ્રસંગમાં હત્યા:પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને કબ્રસ્તાનમાં લઈ જઈ ગળું કાપી મારી નાખ્યો.!
દાહોદ તા. ૨
દાહોદ જિલ્લામાંથી એક ચોંકાવનારી અને દિલ ડહોળી નાખે તેવી ઘટના સામે આવી છે,જ્યાં પ્રેમપ્રસંગમાં સનકી બનેલા પ્રેમીએ પોતાની પૂર્વ પ્રેમિકાના પતિની નિર્દયી હત્યા કરી નાખી છે.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, નાની ખરજના રહેવાસી અરવિંદ ભુરીયા અને દાહોદના અમિત ડાંગી એક વર્ષ પહેલાં APMC ફ્રુટ માર્કેટમાં સાથે મજૂરી કરતા હતા અને બંને વચ્ચે મિત્રતા હતી.આ દરમિયાન આરોપી અમિત ડાંગી છેલ્લા ચાર વર્ષથી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. પરંતુ લગ્નની વાત આવતા અમિત વારંવાર બહાના બનાવી રહ્યો હતો.અંતે યુવતીએ અમિતના મિત્ર અરવિંદ ભુરીયા સાથે સામાજિક રીતે રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.

લગ્નના બે દિવસ બાદ પાયલે અમિતને ફોન કરી કહ્યું કે હવે તે તેને ભૂલી જાય. આ વાતથી ગુસ્સે ભરાયેલા અમિતે “તું મારી નહીં તો કોઈની નહીં” તેવો ખતરનાક નિર્ણય લીધો હતો.આરોપીએ પૂર્વ આયોજન હેઠળ અરવિંદને ફોન કરી ચોરી કરવા માટે બોલાવ્યો અને નસીરપુર પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ ગયો. હતો .જ્યાં પાછળથી ચપ્પાના 10થી 12 ઘા મારી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો અને બાદમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન 30 એપ્રિલના રોજ પોલીસને કબ્રસ્તાનમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ અરવિંદ ભુરીયા તરીકે થઈ હતી.

પોલીસે એલસીબી, એસઓજી અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી અને થોડા જ સમયમાં આરોપી અમિત ડાંગીને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો છે.હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ આ સમગ્ર હત્યાકાંડમાં મૃતકની પત્નીનો કોઈ રોલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.પ્રેમપ્રસંગમાંથી ઉપજી આવેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી છે.
