કલ્પેશ શાહ :- સીંગવડ
જંગલ વિસ્તારમાં પાણીની તંગી, વન્યજીવો ગામોમાં ઉતરતા ભયનો માહોલ
સીંગવડમાં પાણીના કુંડ-તળાવો ખાલી,દીપડા સહિત પ્રાણીઓ પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં;વન વિભાગની બેદરકારી પર ઉઠ્યા સવાલો
પશુ સંવર્ધનનના પોકળ દાવાઓ:વન વિભાગની બેદરકારી, કામગીરી સામે પ્રશ્નાર્થ.?
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વન્યજીવો માટે પાણીની અછત ગંભીર સમસ્યા બની રહી છે.જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા પાણીના કુંડ અને તળાવો ખાલી પડ્યા હોવાના કારણે જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં ગામડાં અને રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, વન વિભાગ દ્વારા પશુ-પક્ષીઓ માટે બનાવવામાં આવેલા કુંડ અને તળાવોમાં સમયસર પાણી ભરવામાં આવ્યું નથી. જેના કારણે ઉનાળાની શરૂઆત સાથે જંગલમાં વસવાટ કરતા મૂંગા અને અબોલ વન્યજીવો માટે પાણીની તંગી ઊભી થઈ છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે દીપડા જેવા ખતરનાક પ્રાણીઓ પણ પાણીની શોધમાં જંગલ છોડીને ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. ભમરેચી ડુંગર વિસ્તારમાં સાંજના સમયે દીપડાની હાજરી નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.મોટા આંબલીયા અને મંડેર વિસ્તારના જંગલોમાં બનાવવામાં આવેલા પાણીના કુંડ હાલ સૂકા પડી રહ્યા છે અને તેમાં ઘાસ ઉગી ગઈ છે. છતાં પણ વન વિભાગ દ્વારા તેમની સફાઈ અથવા પાણી ભરવાની કામગીરી કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા માટે સરકાર દ્વારા ખર્ચાતા લાખો રૂપિયાનું શું થાય છે, જ્યારે જમીન પર તેની કોઈ અસર જોવા મળતી નથી.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તો જંગલી પ્રાણીઓ ગામોમાં પ્રવેશ કરશે નહીં અને લોકોમાં ભયનો માહોલ પણ ઉભો નહીં થાય.હાલ આ મામલે તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
