રાજેશ વસાવે :- દાહોદ
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના બીજા મજલા પર લાયબ્રેરી કમ રીડિંગ રૂમના બાંધકામની શરૂઆત થઈ:
દાહોદ તા. ૧૯

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે હાલમાં રીડિંગ માટે આવતા તથા લાઇબ્રેરીનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.હાલમાં આદિવાસી સમાજ ના અંદાજે ૭૦ જેટલા વિદ્યાર્થીઓ આ રીડિંગ રૂમમાં નિયમિત રીતે ૧૦-૧૨ કલાકનું વાંચન કરી રહ્યા છે. આ રીડિંગ રૂમ માં અભ્યાસ કરીને અત્યાર સુધી માં લગભગ ૬૦-૭૦ યુવાનોએ જુદી જુદી નોકરીઓ મેળવી લીધી છે. હાલમાં પણ આ પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે.

આદિવાસી સમાજ ના વધુને વધુ યુવાનો ને લાયબ્રેરી અને રીડિંગ રૂમ ની સુવિધાનો લાભ મળી રહે તે હેતુથી ભવનના બીજા મજલા પર અંદાજે રૂપિયા ૨૦ લાખ ના ખર્ચે *મોટા અને આધુનિક સુવિધાયુકત રીડિંગ રૂમ* નું બાંધકામ હાથ ધરવાનું ભવન મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના બાંધકામ માટે આજે તા. ૧૯.૪.૨૦૨૬ ના રોજ ભવનના કન્વિનર શ્રી, બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના મંત્રી શ્રી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ ટીમ ના સભ્યો દ્વારા બાંધકામ ની શરૂઆત કરવામાં આવી છે. બાંધકામ માટે જરૂરી નાણાંકીય ભંડોળ સમાજજનો પાસેથી યોગદાન તરીકે મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે માટે આજથી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
આ હેતુ માટે મળેલ નાણાં નો પૂરેપૂરો અને પારદર્શક રીતે નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગ કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે. મળેલ નાણાંની નંબર વાળી પાવતી આપીને નિયમસરનો હિસાબ રાખવામાં આવશે.

આદિવાસી સમાજની ઝડપી શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ સાધવા માટે સમાજ દ્વારા નિર્મિત થયેલ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તરફથી કરવામાં આવેલ ઉપરોક્ત ટહેલ ને ઉમળકાભર્યો પ્રતિસાદ આપી સમાજના આ શૈક્ષણિક કામમાં યથાશક્તિ આર્થિક યોગદાન આપવા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના મેનેજમેન્ટ તરફથી સૌ સમાજજનો ને વિનંતી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ઉપરોક્ત હેતુ માટે અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલું યોગદાન પ્રાપ્ત થયું છે તેમ ભવનના કન્વિનર શ્રી જણાવે છે.
