
દાહોદ તાલુકાના રળીયાતી નજીક દૂધીમતી નદી પાસે તાજી જન્મેલી બાળકી મળી આવતા ચકચાર
માતાએ જન્મી કે મૃત બાળકી ને તરછોડી દીધા બાદ મોત થયું તે રહસ્ય..
દાહોદ તા.17
દાહોદ શહેરના રળીયાતી વિસ્તારમાંથી આજે ગુરૂવારના રોજ એક મૃત હાલતમાં તાજી જન્મેલી બાળકી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી . ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈને ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી હતી.
ગુરૂવારના રોજ વહેલી સવારના સમયે દાહોદ શહેરના રળીયાતી રોડ તરફ આવેલી દુધીમતિ નદીના નાના પુલ તરફના નીચેના ભાગે એક મૃત હાલતમાં તાજી જન્મેલી પરંતુ મૃત હાલતમાં એક બાળકી મળી આવી હતી . બાળકી કોઈ અજાણી વ્યકિત દ્વારા ફેંકી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે . અહીંથી પસાર થતાં કેટલાંક લોકો દ્વારા આ બાળકીને જોતાની સાથે જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી . આ અંગેની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈનને કરવામાં આવતાં તેમનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો . ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં . સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો . આ બાળકી મૃત જન્મી હતી કે તેને નોંધારી છોડી દીધા બાદ તેનું મૃત્યુ થયું તે હજી રહસ્ય જ છે . પરંતુ આ ઘટનાથી સ્વાભાવિક રીતે લોકોમાં ફીટકારની લાગણી ઉભી થઈ છે .