
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે અર્ધલશ્કરી દળના નિવૃત જવાનોને થતો અન્યાય દૂર કરવા તથા સરકાર પાસે વિવિધ માંગણીઓ માટે મીટીંગ યોજાઇ.
મિટિંગનું આયોજન ગુજરાત એક્સ પેરા મિલિટરી એસોસિયેશનના પ્રદેશ પ્રમુખ દીપેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું.
દેશ માટે શહીદ થયેલા અર્ધલશ્કરી દળના જવાનોને આર્મીના જવાનોના બરાબર દરજ્જો,સરખું પેન્શન અને સુવિધા આપવામાં આવે તેવી માંગણી.
સુખસર,તા.13
દેશની સુરક્ષા માટે પોતાના પરિવાર અને જીવની પરવા કર્યા વગર દેશની સરહદો ઉપર જીવનભર કોઇપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનિષ્ઠાથી દેશમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે પોતાનું યોગદાન અને બલિદાન આપતા જાબાજ અર્ધ લશ્કરી દળના જવાનોને થતા અન્યાય બાબતે સરકારને વાકેફ કરવા આજરોજ સુખસર ખાતે અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ ગુજરાત એક્સ પેરા મિલેટ્રી એસોસિએશન દ્વારા સુખસર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અર્ધ લશ્કરી દળના જવાનોને સરકાર દ્વારા થતો અન્યાય દૂર કરવામાં આવે તથા સંવિધાન મુજબ સંઘને આર્મડ ફોર્સિસ ઓફ યુનિયનનું નામ આપવામાં આવે તે બાબતે સરકારમાં રજૂઆત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના અર્ધલશ્કરી દળના નિવૃત જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર આઇ.ટી.આઇ ખાતે ગુજરાત એક્સ પેરા મિલેટ્રી એસોસિએશનના પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ અર્ધલશ્કરી દળના જવાનો અને નિવૃત્ત જવાનોને વિવિધ સ્તરે અન્યાય કરવામાં આવતો હોય તે અન્યાય દૂર કરવામાં આવે તે બાબતે સરકારને વાકેફ કરવા મીટીંગ યોજાઇ હતી.તેમાં દેશ માટે શહીદ થયેલા અર્ધલશ્કરી દળના જવાનોને આર્મીના જવાનો બરાબરનો દરજ્જો,સરખું પેન્શન અને સુવિધા મળે તેમજ આ જવાનોને માટે અલગથી સ્વતંત્ર બોર્ડ બનાવવામાં આવે અને તે ગૃહ મંત્રાલયને આધીન હોય,તેમજ અર્ધલશ્કરી દળના જવાનોને આર્મી-જવાનોની જેમ દરજ્જો મળી રહે તેવી પણ માંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જ્યારે સૈનિક બોર્ડની જેમ અર્ધલશ્કરી દળના જવાનો માટે ગઠન કરવામાં આવે અને અર્ધલશ્કરી દળના રિટાયર પરિવાર,શહીદ પરિવાર માટે જિલ્લા સ્તર ઉપર કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.સી.જી.એચ.એસ ની સુવિધા જિલ્લા કક્ષાએ કરવામાં આવે તેમજ દિલ્હી સહિત ગુજરાત રાજ્યમાં અર્ધ લશ્કરી દળના કલ્યાણ માટે જિલ્લા કક્ષાએ કાર્યાલય આપવામાં આવે તેમજ અર્ધલશ્કરી દળના આશ્રિતોને આર્મીની રીતે નોકરી અને સુવિધા આપવામાં આવે તે સહિત વર્ષ-2004 પછી અર્ધ લશ્કરી દળના જવાનોને પેન્શન યોજના બંધ કરવામાં આવેલ છે તે ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવનાર છે.તેમજ અર્ધલશ્કરી દળના રિટાયર જવાનો અને શહીદ પરિવારને ટોલટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ નિવૃત્ત જવાનો દ્વારા ઉઠવા પામેલ છે. તે સહિત અર્ધ લશ્કરી દળના જવાનોના અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે બે માસની અંદર ગૃહ મંત્રી સાથે મિટિંગનું આયોજન થાય તેના માટે સરકાર દ્વારા પ્રબંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.