
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
*દાહોદ જીલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ બીજા રાઉન્ડનું ડસ્ટીંગ શરૂ કરાયું ગત વર્ષના બે મોત બાદ અત્યારથી જ કામગીરીનો પ્રારંભ*
*ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાંદીપુરા વાયરસની દહેશતઃ કાચા ઘરોમાં ડસ્ટીંગ કામગીરી હાથ ધરી*
ઝાલોદ તા. ૬
દાહોદ જિલ્લામાં ગત વર્ષે ચાંદીપુરા વાયરસ (એન્કેફેલાઇટીસ)ના કેસ અને તેમાંથી થયેલા મૃત્યુના પગલે આ વર્ષે ચોમાસા પહેલાં જ આરોગ્ય તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વાયરસનો પ્રસાર અટકાવવા માટે સંભવિત વિસ્તારોમાં દવાનો મેલેથીયોન ડસ્ટીંગ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે.
મળતી માહિતી મુજબ ગત વર્ષે ચોમાસા દરમિયાન જૂન-જુલાઈ માસમાં જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ ૩ કેસ નોંધાયા હતા. આ બાળકો અન્ય જિલ્લાઓમાંથી દાહોદ આવ્યા હતા. આ પૈકી બે બાળકોના મોત નીપજ્યા હતા. ચાંદીપુરા વાયરસ એ સેન્ડ ફ્લાય (રેત માખી)ના કરડવાથી ફેલાતો રોગ છે. જે ખાસ કરીને 0થી 16 વર્ષની ઉમરના બાળકોને અસર કરે છે. આ રોગમાં મગજનો તાવ, ઝાડા-ઉલટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની સૂચનાને અનુસરીને દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ઉદય ટીલાવત સાહેબ અને ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસ અટકાયતી પગલાં રૂપે ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં MPHS ગિરીશભાઈ ડામોર,MPHW જયેશભાઈ ચૌહાણ ની હાજરીમાં મેલેથીયોન- ચૂનાના મિશ્રણ દ્વારા ડસ્ટીંગનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સેન્ડ ફ્લાયનો પ્રજનન ભેજવાળી રેતી અથવા માટીમાં, ખાસ કરીને લીપણ કરેલા કાચાં ઘરોની અંદર—બહાર અને ઢોર બાંધવાના કોઢ જેવા ભેજવાળા વાતાવરણમાં થતો હોય છે. આ સ્થળોએ ઇંડા, લાર્વા અને કોશેટો રહેલા હોય છે. આગામી ચોમાસામાં વાયરસનો પ્રસાર ન થાય તે હેતુથી, આરોગ્ય તંત્ર દ્વારા બીજા રાઉન્ડ ની મેલેથીયોન ડસ્ટીંગની કામગીરી હાથ ધરી છે. આ ડસ્ટીંગ કરવાથી રેતી/માટીમાં રહેલા ઇંડા, લાર્વા, કોશેટો અને તેમાંથી નીકળતી બાળ સેન્ડ ફ્લાય પણ મૃત્યુ પામે છે. આ કામગીરી જૂન અને જુલાઈ માસની 1 થી 15 તારીખ દરમિયાન બીજા રાઉન્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી કોઈ બાળકનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને પણ જાગૃતિ કેળવવા અને સહકાર આપવા અપીલ કરી છે. લોકોને તેમના રહેણાંક અને કાચાં મકાનોમાં દિવાલોમાં પડેલી તીરાડો પૂરી દેવા તથા આરોગ્ય કાર્યકરો જ્યારે ડસ્ટીંગ કરવા આવે ત્યારે તેમને સહયોગ આપવા જણાવાયું છે.