
દાહોદ તાલુકાના છાપરીમાં મકાનની આકારણી માંગતા ઉશ્કેરાયેલા ગ્રામ પંચાયતના તલાટી સહિત ચાર વ્યક્તિઓએ એક વ્યક્તિ ઉપર કર્યો હુમલો
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના છાપરી ગામે ગ્રામ પંચાયતમાં એક વ્યક્તિ મકાનની આકારણી માંગવા જતાં ગ્રામ પંચાયતના તલાટી સહિત તેની સાથેના અન્ય ચાર જણાએ વ્યક્તિને પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના છાપરી ગામના માવી ફળિયાના રહેવાસી ભાવેશભાઈ રતનભાઈ માવીએ ચાર મકાનની આકારણી કરાવી હતી.જેમાંથી તેમને ત્રણ મકાનની આકારણી મળી ગઈ હતી. બાકી રહેલ એક મકાનની આકારણી બાકી હોઈ જેથી ગત તા.10મી જાન્યુઆરીના રોજ છાપરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પારસીંગભાઈ હીમસીંગભાઈ હઠીલા પાસે આકારણી લેવા ગયાં હતાં જ્યાં તલાટી કમ કમંત્રી પારસીંગભાઈ દ્વારા ભાવેશભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું કેમ આકારણી માંગે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ભાવેશભાઈને ધારવાળો પથ્થર હાથના ભાગે માર્યાે હતો ત્યારે તલાટી કમ મંત્રી પારસીંગભાઈનું ઉપરાણું લઈ આવી પહોંચેલ છાપરી ગામે રહેતાં બાબુભાઈ નનસુખભાઈ હઠીલા, કમલેશભાઈ નનસુભાઈ હઠીલા અને કાળુભાઈ કાનજીભાઈ નિનમાએ ભાવેશભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે છાપરી ગામે માવી ફળિયામાં રહેતાં લલિતભાઈ રતનભાઈ માવીએ તલાટી કમમંત્રી સહિત ચાર ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————