
સસ્પેન્સ નો અંત:દેવગઢ બારીયા-ઝાલોદ પાલિકા પ્રમુખની વરણી:ભાજપના મેન્ડેટથી ધર્મેશ કલાલ અને રેખાબેન વસૈયા બિનહરીફ પ્રમુખ બન્યા..
દાહોદ તા.05
દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા અને ઝાલોદ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.બંને નગરપાલિકાઓમાં ભાજપના મેન્ડેટ મુજબના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધર્મેશભાઈ કલાલ અને ઉપપ્રમુખ તરીકે તારાબેન બાલવાણીની વરણી થઈ છે. જ્યારે ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. જેના પગલે પરિણામ જાહેર થયા બાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સત્તાની ખેંચતાણનો અંત આવ્યો છે. તેમજ જીના ઠામમાં ઘી ઠરી ગયું હોય તેમ લેખાઈ રહ્યું છે
દેવગઢબારિયા ઝાલોદ નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.મામલતદાર અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પ્રમુખ પદ માટે ભારે ખેંચતાણ અને મથામણ જોવા મળી હતી. ભાજપે ધુરંધર કાઉન્સિલરોની બાદબાકી કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. નારાજ કાઉન્સિલરોએ છેવટે પક્ષના મેન્ડેટ સામે નમતું જોખ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નગરપાલિકાઓમાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.