
સંજેલી બજારમાં દબાણકર્તાઓને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી…
સંજેલી નગરમાં પંચાયતની નિષ્કાળજીના કારણે દબાણનો રાફડો ફાટ્યો હોવાની ચર્ચાઓ..
સંજેલી તા.05
સંજેલીમાં પંચાયતની જગ્યા પર યુવકો દ્વારા દબાણ કરીને અન્ય લોકોને ભાડે આપી 10 થી 20 હજાર મહિને ઉઘરાવી રહ્યા હોવાની ચર્ચાઓ ચારેકોર ઉઠવા પામી છે.
સંજેલી પંચાયતની નિષ્કાળજીના કારણે સંજેલી નગરમાં ઠેર-ઠેર દબાણોનો રાફડો ફાટયો હોવાનું જોવાઈ રહ્યું છે.જોકે સંજેલી બજારોમાં દબાણોને લઇ પંચાયત તંત્ર દ્વારા નોટિસ આપતા સંજેલી નગરમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે..
સંજેલી નગરમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારાઓને દિન 15માં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપતાં ગેરકાયદેસર દબાણકર્તાઓમાં દોડધામ મચી છે.અત્યારે ગ્રામ પંચાયત દ્વારા અપાયેલી જગ્યા ઉપર ગેરકાયદેસર મનમાંની કરી અને પાકું બાંધકામ મરજી મુજબ કરી જગ્યા રોકી ગેરકાયદેસર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે . ત્યારે હવે તંત્ર કેવી કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાશે તેવી લોક ચર્ચાઓ હાલ ઉઠવા પામી છે.સ્થાનિક દુકાનદારો દ્વારા પંચાયત દ્વારા ધંધો રોજગાર કરવા માટેની ફાળવેલી જગ્યા ઉપર પાકી દુકાનો તો કરી જ છે તેમજ દુકાનોની આગળ પણ અંદાજિત ત્રણ ફૂટ પાંચ ફૂટ સહિતની વધારાની જગ્યામાં દુકાનનો માલ સમાન મૂકી દેતા ટ્રાફિકમાં અડચણરૂપ થઈ રહ્યું છે.સંજેલી ગ્રામ પંચાયત દ્વારા સંજેલી નગર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાકુ બાંધકામ કરી બેઠેલા લોકોને ગ્રામ પંચાયતની ગેરકાયદેસર બાંધકામ કર્યાની નોટિસ ફટકારવામાં આવી છે .ગ્રામ પંચાયતના નીતિ નિયમોના પ્રમાણે ધંધો રોજગાર કરવા માટે ની જગ્યા ઉપર પંચાયતના નીતિ નિયમોને વિરોધમાં જઈ નિયમોને નેવે મૂકી અને નગરના કેટલાય ઈસમો દ્વારા પોતે મનમાંની કરી અને મરજી મુજબની બિનઆધિકૃત દુકાનો સહિતના પાકા બાંધકામ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે સંજેલીમાં અગાઉ દબાણ ઝુંબેશ હાથ ધરી અને પ્રશાસન દ્વારા કેટલાય દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા.અને દબાણો ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.પંચાયતની નિષ્કાળજીના કારણે ફરી દબાણનો રાફડો ફાટ્યો છે.ત્યારે ફરી તે જ જગ્યા ઉપર હતા તેના કરતાં પણ પાકા દબાણો થઈ જવા પામ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નોટિસો આપવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડિલીનીતિના કારણે આ પાકા ગેરકાયદેસર દબાણો કોઈની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેમ તેને ખુલ્લા કરવા કે અન્ય કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ કેમ કરવામાં નથી આવી રહી તેવા જાગૃત નાગરિકોમાં સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે તેમના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું .