Saturday, 15/03/2025
Dark Mode

રેલ્વે મંત્રીની મુલાકાત અને દાહોદ રેલ્વે સ્ટેશનની સ્થિતિ પર નજર. દાહોદ રેલ્વે સ્ટેશનની સુવિધાઓ અંગે સાંસદ સહિતના અનેક રજૂઆતો છતાં સ્થિતિ મૌન..

February 28, 2025
        1352
રેલ્વે મંત્રીની મુલાકાત અને દાહોદ રેલ્વે સ્ટેશનની સ્થિતિ પર નજર.  દાહોદ રેલ્વે સ્ટેશનની સુવિધાઓ અંગે સાંસદ સહિતના અનેક રજૂઆતો છતાં સ્થિતિ મૌન..

રેલ્વે મંત્રીની મુલાકાત અને દાહોદ રેલ્વે સ્ટેશનની સ્થિતિ પર નજર.

દાહોદ રેલ્વે સ્ટેશનની સુવિધાઓ અંગે સાંસદ સહિતના અનેક રજૂઆતો છતાં સ્થિતિ મૌન..

68 CCTV કેમેરામાંથી 15-17 કેમેરા 11 માસથી બંધ:દાહોદથી પસાર થતી ટ્રેનોના પ્લેટફોર્મ ચેન્જ થતાં મુસાફરોને મુશ્કેલીઓ 

 અમૃત ભારત યોજનામાં સામેલ પરંતુ ફૂટઓવર બ્રીજ અને લિફ્ટ/એસ્કેલેટર જેવી મૌલિક સુવિધાઓનો અભાવ છે.

ટ્રેનોના સ્ટોપેજ માટે સંસદની રજુઆત નિરર્થક, મોટાભાગની તેનો ના સ્ટોપેજ માટે દાહોદની બાદબાકી..

દાહોદ તા.28

દાહોદમાં આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે રેલ્વે સબંધી બાબતોમાં દાહોદ જોડે અણછાજતો વર્તન થઇ રહ્યો હોય તેમ જોવાઈ રહ્યો છે .ખાસ કારીને દાહોદમાં ૨૦ હાજર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટના શિલાન્યાસ બાદ સમયાંતરે દાહોદ આવી ચુકેલા રેલમંત્રી, રેલ રાજ્ય મંત્રી ,પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તેમજ ડી.આર.એમ સહિતના પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના દાહોદ આગમન ટાણે સાંસદ તેમજ રેલવેના ZRUCC તેમજ DRUCC મેમ્બરો દ્વારા દાહોદમાં સુવિધાઓ અંગે અનેકોવાર રજુઆતો છતાંય પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. જેના પગલે NGT 4 ની શ્રેણીમાં આવતા દાહોદ ને અન્ય સ્ટેશનો કરતા ઓછું મહત્વ એમ કહો કે અછૂતો કરી દીધું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરેલા દરેક પત્ર વ્યવહારોમા કોમન રજૂઆતો જોવા મળી રહી છે. જેમાંથી એક પણ માંગણી રેલ્વે મંત્રાલય અથવા રેલવે તંત્ર દ્વારા પૂરી ન કરતા હવે સાંસદની રજૂઆતો પણ દર કિનાર કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે રતલામ ખાતે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સાંસદો અને મંડળ બેઠક દરમિયાન જશવંત સિંહ ભાભોર દ્વારા થયેલી રજૂઆતો અને પ્રશ્નો કેટલે અંશે ઉકેલવામાં સફળ રહેશે તે આવનાર સમયે જ બતાવશે.

*દાહોદ રેલવે સ્ટેશન પર લાગેલા મોટાભાગના CCTV કેમેરા બંધ: સુરક્ષામાં મોટી ચૂક.*

દાહોદ રેલવે સ્ટેશન ઉપર રેલવેની સુરક્ષા તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં આરપીએફ જીઆરપી તેમજ રેલવેની તીસરી આંખ ગણાતા CCTV કેમેરા છેલ્લા 11 માસથી બંધ જોવા મળી રહ્યા છે. દાહોદ રેલવે સ્ટેશન પર લગાવેલા 68 માંથી માંડ 15 થી 17 કેમેરા ચાલુ અવસ્થામાં છે. બાકીના તમામ કેમેરાઓ બંધ થઈ જતા દાહોદ રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલી રહી છે. સીસીટીવી કેમેરાનું ટેન્ડર ગત ફેબ્રુઆરી માસમાં પૂરું થઈ ગયું હતું. જે બાદ ટેન્ડર રીવ્યુ ન થતા ગત માર્ચ 2020 થી મોટાભાગના કેમેરા બંધ છે. અને આજની સ્થિતિએ રેલ્વે દ્વારા લગાવવામાં આવેલા 68 પૈકી માંડ ગણતરીના કેમેરા ચાલુ અવસ્થામાં છે. આવી પરિસ્થિતિમાં કોઈક ચોરી અથવા મોટી ઘટના ઘટે તો રેલવે તંત્ર પાસે કોઈ sajjd પુરાવો નહીં મળે .

*ઓપરેટિંગ વિભાગની મનમાની, મોટાભાગની ટ્રેનોના પ્લેટફોર્મ ચેન્જ થઈ જતા મુસાફરોને હાલાકી.*

દાહોદમાં છેલ્લા દોઢ વર્ષથી રતલામ ખાતે ઓપરેટિંગ વિભાગની મનમાનીથી દિલ્હી તરફથી આવતી મોટા ભાગની ટ્રેનોના છેલ્લી ઘડીએ પ્લેટફોર્મ ચેન્જ કરી દેવામાં આવે છે. જેના લીધે મુસાફરોને એક નંબરથી બે નંબર ત્રણ નંબર પર જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

*પ્લેટફોર્મ નંબર એક પર આવતી ટ્રેનો બે નંબર પર નાખી દેતા કેન્ટીન ધારકોની હાલત કફોડી*

દાહોદથી પસાર થતી 50થી વધુ ટ્રેનો પૈકી દિલ્હી તરફથી આવતી ટ્રેનો ને નિયમ અનુસાર એક નંબરના પ્લેટફોર્મ પર લઈ જવાની હોય છે. પરંતુ મોટાભાગની ટ્રેનો બે નંબર પર ડાયવર્ટ કરાતા એક નંબર પર આવેલી મોટાભાગની કેન્ટીનના ધારકોએ કેન્ટીગ સરેન્ડર માટે અરજીઓ પણ કરી દીધી છે. અત્યારની પરિસ્થિતિ એ મેમો ડેમો ગોપાલ ઇન્ટરસિટી સિવાય તમામ ટ્રેનો બે નંબર પર લઈ જવામાં આવે છે. છેલ્લા બે મહિનાથી દેહરાદુન તેમજ ગોલ્ડન ટેમ્પલ મેલ ને પણ પણ એક નંબર પરથી બે નંબર પર લઈ જતા હવે એક નંબર પર ફક્ત ચાર ટ્રેનો આવે છે. 

*અમૃત ભારત યોજનામાં દાહોદની કાયાપલટ પણ યાત્રીઓની સુવિધા ઓ અંગે ભાર ક્યારે આપશે.??*

દાહોદ રેલવે સ્ટેશનને 23 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કાયાપલટ કરવામાં આવી રહી છે પરંતુ યાત્રીઓની સુવિધા અંગે રેલ્વે દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. પ્લેટફોર્મ નંબર એક પરથી બે અને ત્રણ પર જવા માટે લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા પણ નથી. આમ તો ફૂટઓવર બ્રીજ રેલવે સ્ટેશનની એન્ટ્રી એક્ઝિટ પાસે બનાવવામાં આવવું જોઈએ. પરંતુ દાહોદમાં એન્ટ્રીથી ખાસો દૂર એક પછી એક એમ બે ફૂટ ઓવર બ્રિજ બનાવી દીધા છે. અધુરામાં પૂરું દિવસમાં બે અને રાતે બે આમ કુલ ચાર કુલીઓની વ્યવસ્થા હોવાથી પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યા બાદ મુસાફરોને લગેજ સાથે એક નંબરથી બે નંબર પર જવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સિનિયર સિટીઝનોને તો કુલી ઉપલબ્ધ ન હોવાના કારણે કલાકો સુધી વેટ કરવો પડે છે.

*વિડંબના:સાંસદની રજૂઆતો બાદ પણ મોટાભાગની ટ્રેનોનો દાહોદમાં સ્ટોપેજ નથી.*

દાહોદમાં કોરોના કાળમાં બંધ પડેલી તેમજ દાહોદ ખાતેથી પસાર થતી મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ માટે સાંસદ દ્વારા છેલ્લા બે વર્ષથી પત્ર વ્યવહાર તેમજ રેલ મંત્રી તથા રેલ્વે મંત્રાલયમાં રૂબરૂ મુલાકાત મેળાએ પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધીમાં દાહોદ ખાતેથી બંધ પડેલી તેમજ સ્ટોપેજ ઉઠાવી લેવાયેલી ટ્રેનોના પુનઃક સ્ટોપેજ ફાળવ્યા નથી. અધૂરામાં પૂરું રેલ્વે દ્વારા સમયાંતરે શરૂ કરવામાં આવતી સિઝનલ ટ્રેનો , તેમજ અન્ય નવી શરૂ કરેલી હોલીડે તેમજ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ માં પણ દાહોદની બાદબાકી કરાતા દાહોદને અળખામણું રાખી દીધો હોવાની પ્રતીતિ સામાન્યજનોને થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!