
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી:
માતવા ગામની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જોખમી જુડવા બાળકોની સફળ પ્રસૂતિ..
દાહોદ તા.27
દાહોદ જિલ્લાના માતવા ગામમાં એક સગર્ભા મહિલાની જીવન રક્ષક સેવા 108 એમ્બ્યુલન્સની ટીમે સફળતાપૂર્વક કરી છે. મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ 108ને જાણ કરવામાં આવી હતી.
ઈએમટી દશરથસિંહ રાઠવા અને પાયલટ બકુલભાઈ પટેલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સગર્ભા મહિલાની તપાસ કરતાં તેમને અસહ્ય પીડા હોવાનું જણાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રસૂતિ દરમિયાન જાણવા મળ્યું કે બાળકો જુડવા છે. એક બાળકની ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી સ્થિતિ વધુ જટિલ બની હતી. ઈએમટી દશરથસિંહે ઈમરજન્સી ફિઝિશિયનની સલાહ મુજબ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.માતા અને નવજાત જુડવા બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દર્દીના પરિવારજનોએ 108ની ટીમની આ સાહસિક અને પ્રશંસનીય કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગની કટિબદ્ધતા દર્શાવે છે, જે રાત-દિવસ જોયા વગર નાગરિકોના આરોગ્યની સંભાળ લે છે.