
રાજેશ વસાવે :- દાહોદ
દિલ્લી- મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર વિવાદ: 14 ગામના અસરગ્રસ્ત ખેડૂતોનું વળતર માટે ઝાલોદ પ્રાંતને આવેદન..
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે મામલે ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ 14 જેટલા ગામોના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈ ઝાલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પોતાની વિવિધ માંગણીઓ સત્વરે પૂરી કરવામાં આવે તેવી રજૂઆત સાથે અસરગ્રસ્ત ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણથી અસરગ્રરત ઝાલોદ તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતો રવિવારના દિવસે વસ્તી ગામે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોએ તેમની માંગણીઓ પૂરી ન થવા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જો માંગણીઓ નહીં સંતોષાશે તો કામ બંધ કરાવવાની રણનીતિ ઘડી હતી. ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના જણાવ્યા અનુસાર, છેલ્લા 3 વર્ષથી આદિવાસી ખેડૂતો તેમના અધિકારો માટે લડત આપી રહ્યા છે. અગાઉ 2 વખત હાઈવેનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. ગત 5 ડિસેમ્બર 2023ના રોજ પ્રાંત અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ લેખિત બાંહેધરી આપી હતી કે નિશ્ચિત સમયમર્યાદામાં ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં આવશે. તંત્ર દ્વારા 17માંથી 16 માંગણીઓ મંજૂર કરી હોવા છતાં, 3 મહિના વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી શરૂ કરી નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ 24 ફેબ્રુઆરીએ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદન આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ હાઈવેનું કામ બંધ કરાવશે. વધુમાં, જો સરકાર બળપ્રયોગ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે શાસન અને પ્રશાસનની રહેશે તેમ જાણવા મળેલ છે. સરગ્રસ્ત ખેડૂતોની વિવિધ માંગણીઓના મુદ્દાઓમાં પાવડી ગામે હાઇવે માં ગયેલ આંગણવાડી માટે જમીનનું સર્વે કરીને નવીન આંગણવાડી બનાવવા માટે, સી.આર.સી રસ્તાઓ નું સર્વે તાત્કાલિક ધોરણે કરવા માટે, વીજ લાઈનો અને નવીન મકાનમાં વીજ થાંભલા તેમજ વીજ કનેક્શન પૂરું પાડવા માટે, વરસાદી પાણીથી બનાવેલ ઘરનાળામાં માટી ભરાઈ જવાની તકલીફ હોવાના કારણે તે સમસ્યાનું સમાધાન પણ હાર્દિક સુધી કરવામાં આવ્યું નથી તે સમસ્યાનો નિરાકરણ પણ કરવામાં આવે, તમામ જમીનોને પ્રથમ હકે ચઢાવવા માટે કાર્યવાહી કરવામાં આવે, ઘરોમાં તિરાડો અને છાપરા તૂટી જવા બાબતે વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોને થયેલ અન્ય નુકસાનનું પણ વળતર ચૂકવવામાં આવે વિગેરે જેવા અનેક મુદ્દાઓ માટે અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.