
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના નવા તળાવના 32 વર્ષીય યુવાનની માથામાં ગંભીર ઇજાઓ સાથે પટીસરા ગામેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી*
*મૃતક યુવાન રવિવાર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં જગોલા ગામે સંબંધીને ત્યાં ચાંદલા વિધિમાં જવા નીકળ્યો હતો*
*મૃતકની લાશ જે જગ્યાએથી મળી આવી તે જોતા યુવાન સાથે અન્ય જગ્યાએ અઘટીત ઘટના ઘટી હોવાનુ અનુમાન*
સુખસર,તા.10
ફતેપુરા તાલુકામાં અવાર-નવાર કુવા,તળાવો તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના બનાવો વર્ષોથી બની રહ્યા છે.તેમાં સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2011 થી હાલ સુધીમાં 75 જેટલી કુવા,તળાવ કે બિનવાસી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના બનાવો બની ચૂકેલા છે.જેમાં એક વધુ લાશ આજરોજ નવાતળાવ ના 32 વર્ષીય યુવાનની માથામાં ઇજાઓ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નવાતળાવ ગામે રહેતા રાજુભાઈ કલાભાઈ પારગી (ઉંમર વર્ષ 32) નાઓ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા.અને જેઓને હાલ બે પુત્રો છે.જેઓ રવિવાર રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરેથી મોટરસાયકલ લઈ જગોલા ગામે સંબંધીને ત્યાં ચાંદલા વિધિમાં જવા ઘરેથી નીકળ્યા હતા.ત્યારબાદ સવાર સુધી પરત ઘરે આવ્યા ન હતા.ત્યારે સંબંધીને ત્યાં ગયા છે વહેલું મોડું થાય તેમ ઘરના સભ્યોએ માન્યું હતું. ત્યારબાદ આજરોજ સવારના પટિસરા ગામે કોઈ વ્યક્તિની મોટરસાયકલ સાથે લાશ પડી હોવાની વાત વાયુવેગે ફેલાતા આ વાત મૃતકના ગામ સુધી પહોંચી હતી.જેથી મૃતકના પરિવારજનોએ સ્થળ ઉપર આવી જોતા આ લાશ તથા મોટરસાયકલ રાજુભાઈ પારગીની હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ માથામાં જોતા બે થી ત્રણ ઊંડા ઘા હોવાનું જણાઇ આવ્યું હતું.ત્યારે આ ઘટના બાબતે સુખસર પોલીસને જાણ કરાતા તાત્કાલિક સુખસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને લાશનો કબજો મેળવી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપવામાં આવી છે.જોકે આ બનાવમાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની ફતેપુરા પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળે છે. મૃતકની લાશ તેના વતન થી ૧૫ કિ.મી દૂર મળી આવતા તરેહ તરેહની ચર્ચાઓ સાંભળવા મળે છે.પરંતુ સત્ય તમામ હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમ જાણવા મળે છે.