
દાહોદમાં બહુચર્ચિત ડમ્પિંગ યાર્ડ કૌભાંડ મામલો…પાલિકાના ગત ટર્મના સુધરાઈ સભ્યો ને વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીનું તેડું.
ગેરવર્તન મામલે કાર્યવાહી કેમ ન કરવી તેનો લેખિતમાં 7 દિવસમાં ખુલાસો મોકલી રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા ફરમાન
દાહોદ તા.05
દાહોદમાં ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ એટલે બહુચર્ચિત ડમ્પિંગ યાર્ડ કૌભાંડમાં વડોદરા પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા દાહોદ નગરપાલિકાના દ્વારા કરવામાં આવેલો 94/1 નંબરનો ઠરાવ ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963 ની કલમ 258 મુજબ રદ્દ કરી આ કૌભાંડમાં સામેલ સભ્યો સામે કલમ 70 મુજબ રિકવરીના આદેશો કરવામાં આવતા પાલિકાના અંગત વર્તુળોમાં ખળભળાટની સાથે એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે.ત્યારે આ હુકમના બે માસ બાદ વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા દાહોદ નગરપાલિકાની ગત બોર્ડનાં સામેલ સભ્યોને લેખિતમાં નોટિસ ફટકારી તેઓની સામે કલમ 70 મુજબની કાર્યવાહી કેમ ન કરવી.? તેના ખુલાસો સાત દિવસની અંદર અત્રેની કચેરીમાં મોકલી આગામી 17/1/2022 ના રોજ રૂબરૂ સુનાવણી દરમિયાન હાજર રહેવાનું તેડું આવી જતા ડમ્પિંગ યાર્ડના કૌભાંડમાં સામેલ ભ્રષ્ટાચારી તત્વોમાં એક પ્રકારનો ફફડાટનો માહોલ છવાયો છે.ત્યારે પાલિકામાં જે તે સમયના અન્ય સુધરાઈ સભ્યોને પણ તેડું આવતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં અંદરો અંદર આક્ષેપો પ્રતિ આક્ષેપોના દોર વચ્ચે પાલિકાના માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
સમગ્ર ડમ્પિંગ યાર્ડ કૌભાંડમાં પાલિકાની ગત ટર્મમાં તત્કાલીન ચીફ ઓફિસર અતુલ સિંહાએ પોતાના મળતીયાઓ સાથે સુનિયોજિત ષડયંત્ર રચી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ એટલે કે ડમ્પિંગ યાર્ડના કરોડો રૂપિયાના કામોમાં નિયમોનુસાર ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાના બદલે એક હેડની ગ્રાન્ટ બીજા હેડમાં વાપરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મધ્ય પ્રદેશની સિલેસ્ટીયલ વેસ્ટ મેંજેમન્ટ એન્ડ સૅનેટાઇઝીગ પ્રા.લી નામક કંપનીને બારોબાર પધરાવી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી કથિત કૌભાંડ આચર્યું હતું. ત્યારબાદ સદર કામમાં કોઈપણ જાતની દસ્તાવેજી કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મધ્યપ્રદેશની કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા બીલોના બારોબાર ચૂકવણાં કરી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ સમગ્ર પ્રકરણ મામલે દાહોદના જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માહિતી માંગવામાં આવતા તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરવામાં આવેલા કથિત કૌભાંડનો સમગ્ર પ્રકરણ સપાટી પર આવવા લાગ્યો હતો.જાગૃત નાગરિક તેમજ પાલિકાના સત્તાધીશો વચ્ચે બે વર્ષ સુધી ચાલેલી કાગળીયાની લડાઈનો મામલો છેક મુખ્ય સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય, વિજિલન્સ વિભાગ, ગુજરાતમ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ,GMFB સુધી પહોંચતા ઉચ્ચ સ્તરેથી સમગ્ર મામલાનો અહેવાલ માંગી વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીને સમગ્ર પ્રકરણની તપાસ સોંપાઈ હતી. ઉચ્ચ સ્તરેથી ચાલેલી તપાસ દરમિયાન ઓડિટ રિપોર્ટ,પાલિકા દ્વારા રજુ કરવામાં આવેલા અધૂરા દસ્તાવેજોની સામે દાહોદના જાગૃત નાગરિકે વડોદરાના પ્રાદેશિક કમિશનર કચેરીએ થયેલ રૂબરૂ સુનાવણી દરમિયાન રજૂ કરેલા દસ્તાવેજી તેમજ સાંયોગિક પુરાવા તેમજ સુનાવણી દરમિયાન કરેલ ધારદાર રજૂઆતો બાદ સમગ્ર મામલામાં તત્કાલીન ચીફ ઓફિસર અતુલ સિંહાએ પોતાના મળતિયાઓને જોડે મળી કરોડો રૂપિયાનો કૌભાંડ આચરી સરકારી તિજોરીને ચૂનો ચોપડયો હોવાનો ફલિત થતાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા યાર્ડના કામોમાં કરેલ 94/1 નંબરનો ઠરાવ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની જોગવાઈઓ મુજબ રદ કરી સમગ્ર કૌભાંડમાં સામેલ પાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ કલમ 70 મુજબ રિકવરીના આદેશો કરવામાં આવતા પાલિકાના સત્તાધીશો તેમજ સમગ્ર કૌભાંડમાં સામેલ ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.જોકે આ સમગ્ર મામલાના આદેશોના બે માસ વીતવા બાદ કોઈ પણ કાર્યવાહી ન થતા સમગ્ર મામલામાં ભીનું સંકેલાઇ ગયું હોવાની આશંકાઓ વચ્ચે સમગ્ર મામલો દબાઈ ગયો હોય તેવી તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.ત્યારે ગઈકાલે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા લેખિત નોટીસ ફટકારી પાલિકાની ગત ટર્મમાં ચૂંટાયેલા સભ્યો વિરુદ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઈઓ મુજબની કલમ 70 મુજબ રિકવરી કેમ ના કરવી..? તેવા લેખિતમાં ખુલાસાઓ સાત દિવસની અંદર અત્રેની કચેરીમાં જમા કરવા અથવા આગામી 17.1.2022 ના રોજ વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવાનું તેડું આવતા દાહોદ નગરપાલિકાના સત્તાધીશોમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ભારે ગરમાગરમી નો માહોલ જોવા મળી રહ્યો છે.જયારે કેટલાક સભ્યોના જણાવ્યા અનુસાર સમગ્ર કૌભાંડમાં સામેલ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થાય અમે તો નિર્દોષ છીએ અમે આ મામલામાં કશું જાણતા નથી તેમજ પાડાના વાંકે પખાલીને ડામ જેવા વાક્યોના ઉચ્ચારણો થકી પોતાની હૈયાવરાળ ઠાલવતા નજરે પડ્યા હતા. જોકે સમગ્ર મામલામાં આગામી 17.1.2021 ના રોજ થનારી વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી સુનાવણી બાદ સમગ્ર મામલામાં વધુ સ્ફોટક માહિતી બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે