
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસનાં ડ્રોન કેમેરાનો કમાલ: દાહોદ પોલીસની કામગીરીને ગૃહ મંત્રી તેમાં DGP એ વખાણ્યા…
ગુજરાત-રાજસ્થાનનાં મંદિરોમાં ચોરી કરનારી ગેંગના મેમ્બર પોલીસના ડ્રોનને દેખી ખેતરમાં દોડ્યો,અંતે હાફી જતાં પોલિસે દબોચી લીધો..
પકડાયેલો ઘર ચોર ગૂજરાતના વિભિન્ન શહેરોના અલગ-અલગ 10 ગુનાઓમાં વોન્ટેડ, ચોરીનો માલ લેનાર સોની પણ 16 ગુનાઓ સહિત પાસા કાપી આવ્યો..
દાહોદ તા.29
ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઇટેક બની છે.દાહોદ પોલીસ આરોપીઓને અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અવારનવાર ડ્રોનનો ઉપયોગ કરે છે. આજે પોલીસે ડ્રોનની મદદથી બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. અને બંને ગુનાઓમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા બનાવને અટકાવવા માટે તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબી પોલીસને ગુજરાતના મંદિર તેમજ રાજસ્થાનના જૈન મંદિરોમાં થતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલા ભાભોર (રહે. માતવા, મખોડિયા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ)નો તેના રહેણાક વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી.આ બાતમીના આધારે પોલીસે ગઈકાલે તેના રહેણાક વિસ્તારમાં અલગ અલગ ટીમો ગોઠવી દીધી હતી. એ બાદ આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આરોપી પોતાના ઘરે હાજર હતો એ દરમિયાન પોલીસ આવી હોવાની જાણ થતાં તે ભાગવા લાગ્યો હતો. પોલીસને જોઈ આરોપી તેના ઘર નજીકથી પસાર થતાં ખેતરોમાં ભાગ્યો હતો. જે બાદ પોલીસે ડ્રોન કેમેરા મારફતે ખેતરોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઉપરોક્ત આરોપીનો ખેતરોમાં એક કિમી જેટલો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. જે બાદ તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે આરોપીની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
માતવાના રાજેશે રાજસ્થાનના બાસવાડા તેમજ લીમડીના મંદિરોને નિશાન બનાવ્યા.
પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને બાંસવાડામાં અલગ-અલગ સ્થળોએ મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અને પકડાયેલા આ આરોપીની વધુ ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતાં અન્ય એક આરોપી દિલીપ મણિલાલ સોની (રહે.મંડાવાવ રોડ, રોકડિયા સોસાયટી, તા. જિ.દાહોદ)નું પણ નામ ખૂલતાં પોલીસે તેને પણ પકડી લીધો હતો. આ રાજેશ લાલાભાઈ ભાભોર માતવાએ વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, દાહોદ તાલુકા, ગાંધીનગર, પંચમહાલ મળી કુલ 10 સ્થળે પોતાના સાગરીતો સાથે મળી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.7,32,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને આરોપીઓના સાગરીતોની પણ ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ DGP એ પોલીસની કામગીરીને બિરદાવી..*
ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં સર્ચ-ઓપરેશન હાથ ધરી પોલીસને તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની આ કામગીરીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ DGP વિકાસ સહાયે બિરદાવી હતી અને દાહોદના એસપી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઘટના ગુજરાત પોલીસના હાઈટેક બનવાની દિશામાં એક મહત્ત્વનું ઉદાહરણ બની રહી છે.