
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ભીલ સમાજ ગામ પંચની રચના કરવામાં આવી*
*ભોજેલા ગામના 12 ફળિયામાંથી સમાજના પંચમાં 25 લોકોની ગામ સમિતિ બનાવવામાં આવી*
સુખસર,તા.19
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ભીલ સમાજ ગામ પંચ બનાવવા માટે તારીખ 19/1/2025 રવિવારના રોજ 12 થી 3 કલાક દરમિયાન પતાળેશ્વર મહાદેવ મંદિરે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામમાંથી વડીલો,ભાઈઓ અને યુવાનો હાજર રહ્યા હતા.સાથે સરપંચ,માજી સરપંચ,તાલુકા પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હાજર રહી ભીલ સમાજ નું ઉત્થાન કેવી રીતે કરી શકાય?ભીલ સમાજ અન્ય સમાજની હરોળમાં કેવી રીતે આવી શકે?એ બાબતે ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુકેશભાઈ, ગોવિંદભાઈ અને સુરેશભાઈ બારીયા દ્વારા ચર્ચા અને પોતપોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ભીલ સમાજ પંચ દ્વારા લગ્ન બંધારણને વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવ્યું હતું.જેમાં લગ્ન ખર્ચ ઘરેણા,કન્યાદાન રોકડમાં ,નવીન ચાંદલો મર્યાદિત,મહેમાન પ્રથા બંધ, લિમિટ સંખ્યામાં પહેરાવવા જવું, જાહેરમાં વ્યસનનુ વિતરણ સદંતર બંધ કરવું,લગ્ન સમય મર્યાદિત રાખવો,ઘડો લાવવાની પ્રથા બંધ કરવા સાથે ખોટા મોટા બિનજરૂરી ખર્ચા બંધ કરવા,મરણ પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરવા તથા લગ્ન વિધિ આદિવાસી સંસ્કૃતિ મુજબ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.સાથે બાળકોના શિક્ષણને અસર ન થાય તે મુજબ લગ્ન પ્રસંગોનું આયોજન કરવા જણાવ્યું હતું.
મરણ પ્રસંગે લવાતા ખાપણ પ્રથા બંધ કરી બેસણાના દિવસે મૃતકના ફોટા આગળ યથા શક્તિ મુજબ પૈસા મૂકવાનું આયોજન કરાયું હતું.ત્યારબાદ દરેક ફળિયામાંથી બે આગેવાનો લઈ 12 ફળિયામાંથી 25 જણની ગામ સમિતિ બનાવવામાં આવી હતી.તથા જુદા-જુદા ફળિયામાં ફળિયાપંચ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં પોતાના બાળકો સારું શિક્ષણ મેળવે, સંસ્કારી બને સંગઠિત બને અને વ્યસનો અને ફેશનથી દૂર રહે તેવુ આદિવાસી સમાજના તમામ સભ્યો આ નિયમોનું પાલન કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.