
બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોસ્ટ ઓફિસમાં ધોળા દિવસે પોસ્ટ ઓફિસના તાળા તોડી કોમ્પ્યુટર સામાનની તોડફોડ કરી બહાર ફેંકી દઈ અજાણ્યા ઈસમો ફરાર*
*પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર દ્વારા સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ આપતા તપાસ બાદ કાર્યવાહી કરવાની હૈયાધારણા..!?*
*સાંજના છ વાગ્યાના અરસામાં પોસ્ટ ઓફિસના તાળા તોડનારા ઇસમોનો ચોરી કરવાનો ઈરાદો કે અન્ય કોઈ અદાવત તે તપાસનો વિષય*
સુખસર,તા.17
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અવાર-નવાર બનતા રહેતા ચિત્ર વિચિત્ર કિસ્સાઓથી ભરપૂર એવો સુખસર વિસ્તાર જિલ્લામાં અગ્રસ્થાન ધરાવે છે.લોક ચર્ચાનો વિષય બનેલો એક કિસ્સો લોકોના માનસપટ ઉપરથી ભુંસાય તે પહેલા બીજા કિસ્સાને આકાર આપવા ટાંપીને બેઠા હોય તેમ કેટલાક અસામાજિક તત્વો સક્રિય છે.તેવી જ રીતે ગુરુવાર સાંજના છએક વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા ઇસમોએ સુખસર પોસ્ટ ઓફિસના તાળાં તોડી કોમ્પ્યુટર સામાન વગેરેની તોડફોડ કરી ઓફિસ બહાર ફેંકી દઈ ભાગી જવાનો બનાવ બનવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે માર્કેટ યાર્ડમાં છેલ્લા ચારેક વર્ષથી માર્કેટ યાર્ડના મકાનમાં પોસ્ટ ઓફિસનુ સંચાલન કરવામાં આવે છે.જ્યાંના કર્મચારીઓ સવારના 9:00 કલાકે ફરજ ઉપર આવે છે.અને સાંજના 5:00 કલાકે ફરજ પૂરી કરી ઓફિસ બંધ કરે છે. તેવી જ રીતે ગુરૂવારના રોજ સાંજના પાંચ કલાકે પોસ્ટ ઓફિસ ને તાળા મારી કર્મચારીઓ જતા રહ્યા હતા. ત્યારબાદ સુખસર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર હવસિંગભાઈ પુંજાભાઈ નીનામાને સુખસરના રહીશ દિલીપભાઈ અગ્રવાલ દ્વારા મોબાઈલ ઉપર કોલ કરી જણાવેલ કે,પોસ્ટ ઓફિસના તાળા તૂટેલા છે.તેમજ કોમ્પ્યુટર,સી.પી.યુ,મોનિટર વિગેરે પોસ્ટ ઓફિસની બહાર પડેલા હોવાની અને તૂટેલી હાલતમાં હોવાની જાણ કરતાં પોસ્ટ માસ્તર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ઉપર આવેલા.અને જોયેલ તો ઓફિસના તાળા તૂટેલા હતા તેમજ કોમ્પ્યુટર,સી.પી.યુ,મોનિટર વિગેરે પોસ્ટ ઓફિસની સામે તથા ગલીમાં પડેલા જોવા મળેલ.અને જેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરતાં સુખસર પોલીસ સ્ટાફ પોસ્ટ ઓફિસ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે આજરોજ પોસ્ટ ઓફિસના જવાબદારો સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરાવવા જતા તપાસ બાદ કાર્યવાહી કરવા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પોસ્ટ ઓફિસના કોમ્પ્યુટરના વાયરની તોડફોડ કરી નુકસાન કરેલ છે.અને તેની તપાસ થાય તો કેટલું નુકસાન થયું તેની જાણ થઈ શકે. તેમજ પોસ્ટ ઓફિસના તાળા કોણે તોડ્યા અને કયા કારણોસર તોડ્યા?પોસ્ટ ઓફિસમાં નુકસાન કરી જનાર અજાણ્યા ઇસમોની તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા તેમને ઝડપી ઘનિષ્ઠ પૂછપરછ કરી પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સાધનોની ચોરી કરવાનો કે અન્ય કોઈ ઈરાદા થી કોમ્પ્યુટર સાધનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે?અને કોમ્પ્યુટર સાધનોની ચોરી કરવાના ઇરાદે કોમ્પ્યુટર કાઢ્યા હોય તો ચોર ઈસમો કોમ્પ્યુટર સાધનો મૂકી ભાગી કેમ ગયા?અને અન્ય કોઈ ઇરાદો હોય તો તેમાં કોના સાથ સહકાર થી આ કૃત્ય કરવામાં આવ્યું છે? તેમજ આ ઈસમોએ દિવસનો સમય કેમ પસંદ કર્યો? જેવા અનેક પ્રશ્નોની તટસ્થ તપાસ કરવામાં આવે તે ખાસ જરૂરી છે.
સુખસર પોસ્ટ ઓફિસ વર્ષોથી માર્કેટ યાર્ડના મકાનમાં ચાલતી આવેલ છે.તેમાં આગાઉ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત થતા વર્ષ 2021 થી માર્કેટ યાર્ડના બીજા મકાનમાં પોસ્ટ ઓફિસ શિફ્ટ કરવામાં આવી છે. ત્યારથી માર્કેટ યાર્ડના જવાબદારો તથા પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મકાન ભાડા બાબતે વિવાદ ચાલે છે.અને જેના લીધે સુખસર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે.અને જેની રજૂઆતો પણ સુખસર પોસ્ટના જવાબદારો દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને કરવા છતાં કોઈ નિરાકરણ લાવતા નથી.ત્યારે સુખસર પોસ્ટ ઓફિસને પોતાનું મકાન મળી રહે તે જરૂરી છે.
સુખસર પોસ્ટ ઓફિસના તાળા તોડવા તથા કોમ્પ્યુટર સામાનની તોડફોડ કરવા બાબતે તેમજ અમારી પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સિસ્ટમ બંધ હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારના રોજ સાંજના લેખિત ફરિયાદ આપી છે.આજરોજ અમો સુખસર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા જતા સુખસર પોલીસ દ્વારા અમો તપાસ કરીશું ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીશું તેવા જવાબ આપવામાં આવેલ છે.જ્યારે અમારે અમારા ઉચ્ચ અધિકારીઓને શું જવાબ આપવો તે સમજાતું નથી.
*(હવસિંગભાઈ.પી.નીનામા, સુખસર પોસ્ટ ઓફિસ,પોસ્ટ માસ્તર)*