
*મહીસાગરમાં બેંક મેનેજરની હત્યા અને લૂંટમાં રોકડ રકમ 100% ફરિયાદીને પરત*
12 કલાકમાં જ પોલીસે ગુનો ઉકેલ્યો હતો, ગૃહમંત્રી સંઘવીના હસ્તે 1.17 કરોડની રકમ ફરિયાદીને પરત સોંપી,પોલીસની કામગીરીને બિરદાવી
મહીસાગર તા. ૧૭
મહીસાગર જિલ્લામાં બનેલી ચકચારી લૂંટ અને હત્યાના કેસમાં પોલીસે અત્યંત ઝડપી કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી હતી. સંતરામપુર તાલુકાના ગોધર ગામ નજીક 4 ઓક્ટોબર 2023ના રોજ બનેલી ઘટનામાં ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં ચોંકાવનારી બાબત એ હતી કે આરોપી હર્ષિલ પટેલ, જે મૃતક વિશાલ પાટીલનો મિત્ર હતો, તેણે પૈસાની લાલચમાં આવીને આ જઘન્ય અપરાધ આચર્યો હતો. આરોપીએ વિશાલની હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે કારને આગ ચાંપી દીધી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે લૂંટમાં ગયેલી સંપૂર્ણ રકમ રૂ. 1,17,00,000/- પણ જપ્ત કરી હતી.
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર રકમ ફરિયાદીને સુપ્રત કરી છે. આ પ્રસંગે તેમણે પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. આ કેસનો ઝડપી નિકાલ રાજ્ય પોલીસની કાર્યક્ષમતા અને ગુના નિવારણ પ્રત્યેની ગંભીરતાને દર્શાવે છે.