
રાહુલ ગારી :- ધાનપૂર
ધાનપુર પોલીસ સ્ટેશનમાં આદિવાસી વ્યક્તિને માર મારવા મામલે હાઈકોર્ટના આદેશથી PSI સહિત 3 પોલીસકર્મી સામે ગુનો દાખલ
દાહોદ તા.11
દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે. કાલીયાવડ ગામના સબુરભાઈ જોરસિંગભાઈ રાઠોડને ગત વર્ષે 28 ઓગસ્ટ 2023ના રોજ પોલીસ સ્ટેશનમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં તત્કાલીન PSI ગોહિલ, બીટ જમાદાર અને નરેન્દ્રભાઈએ સબુરભાઈને લાકડીઓથી માર માર્યો હતો. એટલું જ નહીં, આ ત્રણેય પોલીસકર્મીઓએ તેમની સાથે જાતિવિષયક અપમાનજનક વર્તન કર્યું અને ધમકીઓ પણ આપી હતી.
પીડિત સબુરભાઈએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના આદેશો આપ્યા અને ગુનો દાખલ કરવાની સૂચના આપી. આ આદેશના પગલે ધાનપુર પોલીસે ત્રણેય આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે હવે કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસકર્મીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ અને માનવાધિકારના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે, જે દર્શાવે છે કે કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે ઉચ્ચ અદાલતનો સહારો લેવો પડે છે.