Thursday, 16/01/2025
Dark Mode

અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા ભેજાબાજો “સ્પેશિયલ 26” જેમ વેપારીને ત્યાં રેડ કરવાં આવતા ભાંડો ફુટયો.. દાહોદમાં નકલી ઇન્કમટેક્સની રેડ કરવા આવેલા અસલી જી.એસ.ટી ઇન્સ્પેકટર સહીત 5 ઝડપાયાં, બે ફરાર..

January 11, 2025
        1458
અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા ભેજાબાજો “સ્પેશિયલ 26” જેમ વેપારીને ત્યાં રેડ કરવાં આવતા ભાંડો ફુટયો..  દાહોદમાં નકલી ઇન્કમટેક્સની રેડ કરવા આવેલા અસલી જી.એસ.ટી ઇન્સ્પેકટર સહીત 5 ઝડપાયાં, બે ફરાર..

#DahodLive#

અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા ભેજાબાજો “સ્પેશિયલ 26” જેમ વેપારીને ત્યાં રેડ કરવાં આવતા ભાંડો ફુટયો..

દાહોદમાં નકલી ઇન્કમટેક્સની રેડ કરવા આવેલા અસલી જી.એસ.ટી ઇન્સ્પેકટર સહીત 5 ઝડપાયાં, બે ફરાર..

જમીન દલાલ, પોલીસમેન,રેલ્વે કર્મી, કહેવાતો તબીબે શોર્ટકટ રસ્તે પૈસા બનાવવા બનાવેલો ષડયંત્ર નિષ્ફળ નિવડયો.

દાહોદ તા.11

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને રેડ કરવા આવેલી ગેંગનો પર્દાફાશ થયો છે.જેમાં છ અલગ-અલગ ફિલ્ડ સાથે જોડાયેલા ઈસમોએ વડોદરાના જી.એસ.ટી ઇન્સ્પેક્ટર સાથે મળી ફતેપુરાના સુખસરમાં આવેલા કાપડ તેમજ ધીરધારનો ધંધો કરનાર વેપારીને ત્યાં નકલી ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી ચોપડા ચકાસણી કરવાનો શરૂ કર્યો હતો. બીજા વેપારીએ ગભરાઈને પતાવટ કરવા વાત કરતા ઉપરોક્ત નકલી અધિકારીઓએ પતાવટ 25 લાખની માંગણી કરી હતી.અને વેપારી પાસેથી બે લાખ પડાવી બાકીના પૈસા ઝાલોદ ખાતેથી લેવા વેપારીના પુત્રને સાથે લઈ ગયા હતા. દરમિયાન ઉપરોક્ત ટોળકી નકલી ઇન્કમટેક્સ અધિકારી હોવાની વેપારીને આશંકા થઈ હતી અને વેપારીએ પોલીસને બોલાવતા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ઉપરોક્ત ગેંગના 7 પૈકી 5 ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા છે. એટલું જ નહીં પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા પણ થયા છે.

 દાહોદનો જમીન દલાલી કરનાર અબ્દુલ ગુંડિયા તેમજ રેલવેના વોર્ડ બોય રાકેશ મઢિયા રાઠોડે અમદાવાદ પોલીસમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય રહે વિવેકાનંદ નગરને બાતમી આપી હતી. જે બાદ ભાવેશ આચાર્ય તેમના જ ફળિયામાં રહેતા ઉમેશ રમેશચંદ્ર પટેલ અને મનીષ રમેશચંદ્ર પટેલ નામક બંને ભાઈઓને સામેલ કર્યા હતા. ત્યારબાદ ઉમેશ અને મનીષના વેવાઈ અને વડોદરા જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ કાછીયા પટેલને સામેલ કરી સુરતના નયન પટેલ સાથે મળી અગાઉ 25 દિવસ પહેલા સુખસર ખાતે આવી કાપડના વેપારીને ત્યાં રેકી કરી ગયા હતા. આ પહેલા દાહોદના અબ્દુલ અને રાકેશ રાઠોડ પણ સુખસર ખાતે જઈ રેકી કરી આવ્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત સાતેય ભેજાબાજોએ એકબીજાના કોમ્યુનિકેશનમાં રહી નકલી ઇન્કમટેક્સ અધિકારી તરીકે રેડ પાડવાનું આયોજન કર્યું હતું. અને ગઈકાલે સુખસર ખાતે કાપડ અને ધીરધાર ના ધંધા સાથે સંકળાયેલા અલ્પેશભાઈ ઓમકારભાઈ પ્રજાપતિ ને ત્યાં ઇન્કમટેક્સ અધિકારી તરીકે રેડ કરી હતી અને દુકાનમાં હિસાબ કિતાબ ના દસ્તાવેજો તેમજ ગ્રાહકોના ગીરવે મુકેલા દાગીનાની તપાસ કરતા ગભરાયેલા અલ્પેશભાઈ પ્રજાપતિએ પતાવટ ની વાત કરતા ઉપરોક્ત ભેજાબાજોએ ૨૫ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ બે લાખ લીધા બાદ વધુ પૈસા ઝાલોદ થી અપાવવા માટે વેપારીએ જણાવતા ઉપરોક્ત ભેજાબાજો સાથે ઝાલોદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન સુખસર બજારમાં વેપારીને શંકા જતા ઉપરોક્ત દરોડા પાડવા આવેલા ભેજાબાજો પાસે ઓળખ કાર્ડ માંગતા ઉપરોક્ત ઈસમોએ ગલ્લા તલ્લા કર્યા હતા જે બાદ વેપારીને શંકા જતા તેને પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટયો હતો.અને પોલીસ આવી જતા ઉપરોક્ત ભેજાબાજો ભાગવા જતા સાત પૈકી બે સ્થળ પર જ પકડાઈ ગયા હતા જ્યારે અન્ય ત્રણને પોલીસે પાછળથી પકડી લીધા હતાં.જ્યારે બે ભાગી જતાં પોલીસે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

*દાહોદ કોર્ટમાંથી સુખસરના વેપારીની બાતમી મળી હતી.*

નકલી ઇન્કમટેક્સની રેડમાં સામેલ દાહોદનો અબ્દુલ ગુંડિયા જમીન દલાલીનો ધંધો કરે છે. જ્યારે ભાગી ગયેલો રાકેશ મડિયા રાઠોડ રેલવેમાં બોર્ડ બોય તરીકે નોકરી કરે છે. ઉપરોક્ત બંને ઈસમો કોઈ કામ અર્થે દાહોદની કોર્ટમાં ગયા હતા જ્યાં સુખસરના વેપારીની તેમને બાતમી મળી હતી. અને શોર્ટકટ રસ્તો અપનાવી રૂપિયા બનાવવાની લાલચમા આ પ્રકરણમાં સામેલ થયા હતા.એટલું જ નહીં ભાગી ગયેલો રાકેશ રાઠોડ સામે પ્રોંહિબિશનના ચાર કેસો થયેલા છે ઉપરાંત કેટલાક પોલીસ કેસોમાં પંચ તરીકે પણ ભૂમિકા ભજવી છે.

*અમદાવાદના ત્રણ પૈકી બે પોલીસમા નોકરી કરતા હતાં.*

સુખસર ખાતેથી પકડાયેલા પકડાયેલાં ભેજાબાજો પૈકી ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય વિવેકાનંદ નગર પોલીસ મથકમાં એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો એટલું જ નહીં આર.ટી.આઈ એક્ટિવિસ્ટ તેમજ પત્રકાર તરીકે કામ પણ કરતો હતો.જયારે ઉમેશ નામક વ્યક્તિ વિવેકાનંદ નગર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. 

*શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવાની લાલચમાં અસલી જી.એસ.ટી ઇન્સ્પેક્ટરે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની રેડને લીડ કરી.*

સુખસર ખાતે નકલી રેડમાં પકડાયેલા આણંદના વિપુલ કાછીયા પટેલ સ્ટેટ જી.એસ.ટી વિભાગમાં કલાર્ક તરીકે ભરતી થયો હતો. 16 વર્ષ નોકરી કર્યા બાદ વડોદરામાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. અને નકલી રેડમાં સામેલ ઉમેશ તેમજ મનીષના વેવાઈ થતા હોઈ ત્રણેય સંબંધીઓએ શોર્ટકટમાં રૂપિયા બનાવવાની લાલચમાં આવી ગયા હતા અને અસલી જીએસટી અધિકારી ઉપરોક્ત ભેજા બાજો સાથે મળી નકલી ઇન્કમટેક્સ અધિકારી બન્યો હતો અને સમગ્ર રેડને લીડ કરી હતી.

*અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા કેવી રીતે કોમ્યુનિકેશનમાં આવ્યા, અને કેટલાને શિકાર બનાવ્યા તપાસ ચાલુ છે:- SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલા.*

નકલી રેડમાં સામેલ સાત પૈકી પાંચ ઈસમો ઝડપાયાં છે.જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે સુરતનો નયન પટેલ ઉપરોક્ત તમામના ટેલીફોનિક સંપર્કમાં હતો. આ સમગ્ર નકલી રેડ એકબીજાના કોમ્યુનિકેશનમાં રહી કરવામાં આવી છે. પકડાયેલી ગેંગની MO મુજબ જે તે જગ્યાએ ટાર્ગેટ નક્કી કર્યા બાદ રેકી કરે છે અને લોકલ પોલીસના કોન્સ્ટેબલ જેવા પોલીસ કર્મીને ફોડી સામેલ કરવાનો પ્રયાસ કરે છે. તેવું ધ્યાનમાં આવ્યું છે જેથી હવે આ લોકો છેલ્લા એક વર્ષથી કોના કોના સંપર્કમાં હતા. અન્ય જિલ્લાઓમાં કઈ પોલીસના કોન્ટેકમાં હતા. અથવા અન્ય કેટલા લોકોને આવી રીતે ટાર્ગેટ કર્યા હતા. તે તમામ ડીટેલ અને પકડાયેલાઓના બેન્ક ડીટેલ સહિતની તમામ માહિતી અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!