ડાયટ સંતરામપુરના તાલીમાર્થીઓ દ્વારા દીવડા પ્રા.શાળામાં ઈન્ટર્નશીપ યોજાઈ
સંતરામપુર તા. ૨૪
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર, ડી.એલ.એડ્ વિભાગના ગૃપ-B ના તાલીમાર્થીઓ દ્વારા દિવડા પ્રાથમિક શાળામાં ઈન્ટર્નશીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમના માર્ગદર્શક અને વ્યવસ્થાપક તરીકે વિઝીટીગ લેક્ચરર પ્રતિકકુમાર મહેરાએ સક્રિય ભૂમિકા ભજવી તાલીમાર્થીઓમાં ઉત્સાહ અને જુસ્સો પુરો પાડી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલીમાર્થીઓ દ્વારા શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓની સુકાન જાતે સંભાળી અધ્યયન અને અધ્યાપન પ્રકિયાના જીવંત અનુભવો મેળવ્યા હતા. લેક્ચરર પ્રતિક મહેરાના જણાવ્યા મુજબ “શીખવવા કરતાં શીખતા કરવા એજ શિક્ષણનો ફલિતાર્થ છે” જેથી પ્રાર્થનાસભા અને તેને આનુષંગિક પ્રવૃત્તિઓ, તાસ આયોજન અને તેને લગતી સમસ્યાઓનુ ક્રિયાત્મક સંશોધન, શાળાના પુસ્તકાલયની મુલાકાત અને વાંચન પ્રવૃત્તિઓ – ચિંતનાત્મક વાંચન – વિશ્લેષણાત્મક વાંચન, શાળા પત્રકોની જાણકારી, અધ્યાપનની વિવિધ પ્રવૃતિઓની અજમાયશ – (વાર્તાકથન, નાટ્યીકરણ, પ્રોજેક્ટ, સ્વ અધ્યયન, કાવ્ય શિક્ષણ .., સર્જનાત્મક ચિંતન,.) અધ્યાપન સંશાધનો અને તેનો યોગ્ય ઉપયોગ – ( ટી એલ એમ નિર્માણ, ક્વિઝ નિર્માણની પ્રવૃત્તિઓ) વગેરે પ્રવૃત્તિઓ તાલીમાર્થીઓ માટે ભાવી શિક્ષક તરીકે મહત્વની બની હતી. તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય કેળવવું એ એક કલાના સંદર્ભમાં માર્ગદર્શન મેળવી વિવિધ પ્રવૃતિઓ જેવી કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, માટી કામ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ આયોજિત કરી હતી. તેમજ રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું અને શાળાને સ્મૃતિભેટ એફ. વાય, એસ. વાયના તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે વિવિધ સંસ્થાઓ અને કચેરીઓની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ગ્રામપંચાયત, એકલવ્ય સ્કુલ, મોડેલ સ્કુલ, તાલુકા પંચાયત વગેરેમાં જઈને તેની કામગીરી અંગે જે તે કચેરીના કર્મચારીઓ દ્વારા માહિતી મેળવવાનો અનુભવ વગેરે અધ્યયન કેન્દ્રી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓના એફ. વાયના લીડર બારીયા સંજય, એસ. વાયના લીડર માલીવાડ દેવરાજએ લેક્ચરર પ્રતિક મહેરાની તમામ સુચનાઓનું પાલન કરી,કરાવીને એક ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંતરામપુર ડી. એલ. એડ્ વિભાગના સિનિયર લેક્ચરર હર્ષદ પટેલતથા આર.એલ. વણકર , આર. કે. પટેલ સતત ટીમના સંપર્કમાં રહી અને અવારનવાર મુલાકાત લઈને ટીમનો ઉત્સાહ વધારી ઈન્ટર્નશીપને ” અનુભવ એજ શ્રેષ્ઠ શિક્ષણ” ની વ્યાખ્યાથી ચરિતાર્થ કરાવી હતી. આ સમગ્ર ઈન્ટર્નશીપ કાર્યક્રમ અંગે સંતરામપુર ડાયટના પ્રાચાર્ય કે.એસ.પટેલે રાજીપો વ્યક્ત કરી સમગ્ર ટીમ ને શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃપ- બી ની ટીમના તમામ તાલીમાર્થીઓ એ દિવડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તથા આચાર્ય રમેશ ખાંટનો આભાર માન્યો હતો.