![રતલામ ડિવિઝન રેલવે લાઇનની સંખ્યામાં વધારો કરશે, DPR રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો.. રેલવે દિલ્હી-મુંબઈ રૂટ પર નાગદા-રતલામ-ગોધરા સુધી ત્રીજો અને ચોથો બ્રોડગેજ ટ્રેક નાખશે…](https://dahodlive.com/wp-content/uploads/2024/12/Screenshot_20241216_201055_Google-770x377.jpg)
રાજેશ વસાવે :- દાહોદ
રતલામ ડિવિઝન રેલવે લાઇનની સંખ્યામાં વધારો કરશે, DPR રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો..
રેલવે દિલ્હી-મુંબઈ રૂટ પર નાગદા-રતલામ-ગોધરા સુધી ત્રીજો અને ચોથો બ્રોડગેજ ટ્રેક નાખશે…
દાહોદ તા..16
પશ્ચિમ રેલવે મુસાફર અને ગુડ્સ ટ્રેનોને અટકાવ્યા વગર દોડાવીને ઓપરેટિંગ ક્ષમતા વધારવા માટે નાગદા વાયા રતલામ ગોધરા સુધી ત્રીજો અને ચોથો બ્રોડગેજ ટ્રેક પાથરશે. આ પ્રોજેક્ટ માટે રેલવેએ લગભગ 229 કિમી લાંબી નાગદા-રતલામ-ગોધરા શેક્શનમાં અંતિમ છેલ્લું સર્વેક્ષણ કરી મંડલ દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી એ અહેવાલ રેલવે બોર્ડને મોકલી દીધો છે. જેમાં મંજુરી મળતાની સાથે જ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે.જેમાં સૌપ્રથમ રતલામ-નાગદા વચ્ચે ટ્રેક નાખવામાં આવશે.આ સેક્શન પૂર્ણ થયા બાદ આગળ રતલામ-ગોધરાનો વારો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા બ્રોડગેજ ટ્રેક પર ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેના પગલે સેમી હાઈ સ્પીડ ટ્રેકના માપદંડો મુજબ ટ્રેક નાખવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ. 2300 વધુ ની રકમ ખર્ચાશે.જોકે ડિવિઝનનો એક ભાગ એવા દિલ્હી-મુંબઈ રૂટ પર રેલ લાઇનની સંખ્યા વધારવાનો આ પ્રયાસ 62 વર્ષ પછી શરૂ થયો છે. રતલામ-નાગદા રેલવે સેક્શન છેલ્લે 1962માં ડબલ ટ્રેક કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રથમ બ્રોડગેજ લાઇન 1893 માં નાખવામાં આવી હતી – ગોધરાથી લીમખેડા સુધીના વિભાગની પ્રથમ બ્રોડગેજ લાઇન 1893 માં નાખવામાં આવી હતી. તેમજ લીમખેડા-દાહોદ-રતલામ લાઇન 1894માં નાખવામાં આવી હતી.તેના બાદમાં તેના પર ટ્રાફિક શરૂ થયો હતો. રતલામ-નાગદા-ઉજ્જૈન બ્રોડગેજ લાઇન 1896 માં પૂર્ણ થઈ હતી. 1951માં પશ્ચિમ રેલવેના અસ્તિત્વમાં આવ્યા પછી, 1959માં ગોધરા-પીપલોદ સેક્શનને બમણું કરવામાં આવ્યું, 1960માં પીપલોદ-દાહોદ-રતલામ અને 1962માં રતલામ-નાગડા સેક્શનને બમણું કરવામાં આવ્યું.
*નવા ટ્રેક રતલામ જંક્શનની જ્ગ્યાએ આર.કે.નગર સ્ટેશનથી પસાર થશે.*
રેલવેના રિપોર્ટમાં બ્રોડગેજની ત્રીજી અને ચોથી લાઇન રતલામ જંકશનમાંથી નહીં પરંતુ આર.કે નગર સ્ટેશનથી પસાર થશે. આ પ્રોજેક્ટ મુજબ, નવો ટ્રેક બાંગરોદ સ્ટેશનથી નૌગાંવ (રતલામ-ઈન્દોર રૂટ પર)થી થોડે આગળ ખાચરોદ નાગદા સ્ટેશન તરફ વાળવામાં આવશે અને આરકે (રાધાકૃષ્ણ) નગર ખાતે દિલ્હી-મુંબઈ રૂટ સાથે જોડાશે.નૌગાંવ નજીકથી આરકે નગર સુધી બાયપાસ પણ બનાવવામાં આવનાર છે. આનો અર્થ એ થયો કે રેલવેની દ્રષ્ટિએ આગામી થોડા વર્ષોમાં આરકે નગરનો વિકાસ થશે.
નાગદા-ગોધરા સેક્શનમાં વધારાના ટ્રેક નાખવાથી શું ફાયદો થશે.?
• નવી પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે સરળ બનશે કારણ કે ખાલી પ્લેટફોર્મનો સમય વધશે. બીજુ પેસેન્જર ટ્રેનો અવરોધ વિના ચાલશે. કારણ કે હાલમાં તેઓ માલગાડીઓને કારણે બંધ છે. સાથે સાથે રેલવેની કમાણી વધશે કારણ કે વધુ માલસામાન ટ્રેનો દોડી શકશે. હવે પેસેન્જર ટ્રેનને પ્રાધાન્ય મળશે.રતલામમાં માલસામાનની ટ્રેનો ન આવવાને કારણે અને આરકે નગર સ્ટેશનના વિકાસને કારણે સ્ટેશનનો ભાર ઓછો થશે.