લીમડીમા રોડને અડીને કરવામાં આવેલા ગેરકાયદેસર કાચા-પાકા દબાણોને દુર કરવા ગ્રામ પંચાયતે 300થી વધુ દબાણકર્તાઓને નોટીસ ફટકારી..
દાહોદ તા.02
દાહોદ જીલ્લાના ઝાલોદ લીમડી નગરમાં ગેરકાયદેસર કાચા-પાકા દબાણોને દુર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા 300 થી વધુ દબાણકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ આ નોટીસને પગલે લીમડી નગરના નાના-મોટા વેપારીઓમાં ફફડાટની લાગણી સાથે નોટીસો આપ્યાંના સમયગાળા દરમ્યાન દબાણકર્તાઓ દ્વારા પોતપોતાના દબાણો દુર કરવાની કામગીરી દબાણકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અગાઉ કેટલાંક મહિના પહેલા ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા લીમડી નગરમાં ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટીસ આપી પોત પોતાના દબાણો દુર કરવાની સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ તે નોટીસોને હાલ મહિનાઓ વીતી ગયાં બાદ પણ જાણે ગ્રામ પંચાયતની નોટીસોને ઘોળીને પી જતાં દબાણકર્તાઓ દ્વારા આજદિન સુધી પોત પોતાના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ન આવતાં આજરોજ એક્શન મોડમાં આવેલ ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા એકાએક ૩૦૦થી વધુ લીમડી નગરના નાનાથી માંડી મોટા ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટીસો ફટકારતાં લીમડી નગરના ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આગામી 07 દિવસની અંદર પોત પોતાના ગેરકાયદેસર દબાણો દુર કરવાની નોટીસમાં સુચનાઓ આપવામાં આવી છે. આ ગેરકાયદેસર દબાણો દુર કરવાની નોટીસોનો મુખ્ય ઉદ્દેશ્ય લીમડી નગરમાં અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. લીમડી નગરમાં ટ્રાફિકની સમસ્યા સહિત અનેક પ્રશ્નોને લઈ ગ્રામ સભામાં જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવતી હતી. આ રજુઆતો અને ખાસ કરીને પ્રજાહિતમાં ગ્રામ પંચાયત કચેરી આ કાર્યવાહી કરી છે. આગામી 07 દિવસની અંદર જો ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દુર કરવામાં નહીં આવે તો 07 દિવસ બાદ ગ્રામ પંચાયત, તંત્ર, પોલીસ બંદોબસ્તને સાથે રાખી લીમડી નગરના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવશે તેમ ગ્રામ પંચાયતના સત્તાધિસો પાસેથી જાણવા મળેલ છે.