રાજેશ વસાવે :- દાહોદ
*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠક દરમ્યાન લાભાર્થીઓને શૌચાલયના મંજુરીપત્ર અપાયા*
*DWSM ની કામગીરી બાબતે નવી માર્ગદર્શિકા મુજબ કાર્ય હાથ ધરાશે*
*૧૯ નવેમ્બર ના રોજ વિશ્વ શૌચાલયની દિવસની ઉજવણી કરાશે*
દાહોદ તા. ૧૬
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ ” વિશ્વ શૌચાલય દિવસ ” નિમિતે રાષ્ટ્ર્રવ્યાપી ઉજવણી માટે નિર્ધારિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા તેમજ સ્વચ્છતા અંગે જન જાગૃતિ વધારવા માટે આ દિવસનું અસરકારક અને મહત્વપૂર્ણ થાય એ માટે વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતો અને લક્ષ્યોને પરિપૂર્ણ કરવા સ્વચ્છતાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે વ્યક્તિગત શૌચાલય યોજના હેઠળ લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવા સહિતની કામગીરી કરવાની થાય છે.
આ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો વગેરેમાં શૌચાલય અને પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવશે.
દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામા આવી હતી. જે દરમ્યાન ૧૯ મી નવેમ્બર ના રોજ વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને લાભાર્થીઓને શૌચાલયના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.
આ દરમ્યાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી. એમ. પટેલએ વિશ્વ શૌચાલય દિવસની જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦