દેવગઢ બારીયાના સગારામાં ઉછીના અપાવેલા રૂપિયાની માંગણી કરતાં અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં એકનું મોત…
મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી આરોપી ફરાર :મૃતકના પુત્રએ ફળિયામાં જ રહેલા યુવકને 3000 રૂ. અપાવ્યા હતા..
દાહોદ તા. 05
દેવગઢ બારિયા તાલુકાના સાગારામાં ઉછીના અપાવેલા ત્રણ હજાર રૂપિયાની અવાર નવાર માંગણી કરતાં અદાવતમાં ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં એકનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્રએ ફળિયામાં જ રહેલા યુવકને રૂપિયા અપાવ્યા હતા. મોત નિપજાવી ફરાર થયેલા હત્યારા સામે દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામના સડક ફળિયામાં રહેતા વિનોદભાઇ ગોપંગભાઇ પટેલે તેના ફળિયામાં જ રહેતા પ્રવિણભાઇ દલુભાઇ બારીયા પટેલને અગાઉ 3000 રૂ. ઉછીના અપાવ્યા હતા. ત્યારે વિનોદભાઇના પિતા ગોપસીંગભાઇ કાળુભાઇ પટેલ પ્રવિણ પટેલ પાસે અવાર નવાર રૂપિયાની માંગણી કરતાં હતા. ત્યારે આ બાબતે તા.4 નવેમ્બરના રોજ સાંજે પ્રવિણ પટેલ તથા ગોપસીંગભાઇ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખી પ્રવિણ પટેલે કોઇ ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે ગોપસીંગભાઇને મોઢાના ભાગે માર મારતા ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાઓના કારણે ગોપસીંગભાઇનું મોત નિપજ્યું હતું. ત્યારે આરોપી પ્રવિણ પટેલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મામસે મૃતકના પુત્ર વિનોદભાઇ પટેલે પ્રવિણ દલુ પટેલ સામે દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.