
રાજેશ વસાવે :- દાહોદ
પડતા ઉપર પાટુ: લીમખેડા શ્રીરામ હોટલનો પરિવાર મરણ પ્રસંગમાં રાજસ્થાન જતા પાછળથી તસ્કરોનો મકાનમાં હાથફેરો,
તસ્કરોએ ઠંડે કલેજે બંધ મકાનનો સરસામાન વેરવિખેર કર્યો:પાંચ લાખ ઉપરાંતના મુદ્દા માલની સાફસૂફી
દાહોદ તા. 28
દાહોદ જિલ્લાના લીમખેડા શ્રીરામ હોટલના માલિકના માર્ગ અકસ્માતમાં મોત બાદ તેમના બંધ ઘરને તસ્કરોએ નીશાન બનાવતા માટી પરિવાર ઉપર આ બનાવ પડતા ઉપર પાટુ સમાન સાબિત થયું હતું.જોકે તસ્કરોએ ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 5 લાખની માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઇ જતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.ત્યારે બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગત ગુરુવારે લીમખેડાની પાલ્લી સ્થિત શ્રીરામ હોટલના માલિક પ્રતાપભાઈ ભાટી સહિત કુટુંબના પાંચ સભ્યોના રાજસ્થાનના સિરોહી પાસે ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યા હતા.જેથી હોટલ માલિકના પરિવારજનો તાત્કાલિક હોટલ તથા તેમના ઘર બંધ કરી રાજસ્થાન સ્થિત તેમના વતનમાં મૃતક પરિવારજનોની મરણો ઉપરાંત વિધિ કરવા જતાં રહ્યાં હતા.ત્યારે તેમના બંધ ઘરને અજાણ્યા ચોર લોકોએ શવિવારે રાત્રે નિશાન બનાવી ઘરના દરવાજાના તાળા તોડી પ્રતાપભાઈ તથા તેમના દીકરા જગદીશભાઈ તથા નરેશભાઈના રૂમના અંદર પ્રવેશી તિજોરી પલંગ પેટી કબાટ વિગેરેમાં પડેલો સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો.તેમજ અંદર મૂકી રાખેલા ચેઈન અંગૂઠી બુટ્ટી છડા ઝાંઝરી જેવા સોના ચાંદીના ઘરેણા તથા અંદાજિત બે લાખ રૂપિય રોકડા મળી કુલ 5 લાખ રૂપિયાની મતા ચોરી કરી લઈ અજાણ્યા ચોર હોટલની પાછળના ખેતરમાં થઈ નાસી ગયા હતા. આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. અકસ્માતમાં પરિવારના સભ્યોના મોત બાદ ઘરમાં ચોરીની ઘટના આખા પંથકમાં ચર્ચાનો વિષય બની હતી. બનાવ સંદર્ભે હોટલના મેનેજર સરીરામ ભીખારામ બિશનોઈએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.