રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ નજીક ધાવડીયા ચેકપોસ્ટ પર પકડાયેલા લાખો રૂપિયાના પોષડોડા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો..
દાહોદ પોલીસનો MP ના મંદસોરથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા નાર્કોટિક્સના નેટવર્કનો પર્દાફાશ:ડાયરામાં કસુંબો પીરસનાર અફીણના પોષડોડાનો ખરીદાર નીકળ્યો..
મંદસોરની પીપળીયા મંડી અફીમનો હબ,પીપળીયા મંડીનો ઉત્પાદક જ સપ્લાયર નીકળ્યો.
દાહોદ તા. 26
ઝાલોદ નજીક રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટથી બે દિવસ પહેલાં 12 લાખ રૂપિયા ઉપરાંત કિંમતના 426 કિલો અફીણના પોશડોડા પકડાયા હતા.જેમાં દાહોદ પોલીસની ઘનિષ્ઠ તપાસે નાર્કોટિક્સના મંદસૌરથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા આ નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરની મહિલા સહિત ત્રણ લોકો સાથે ડાયરાઓમાં કસુંબો પીરસનાર જ પોશડોડાનો મોટો ખરીદદાર હોવાનું સામે આવ્યુ છે…
દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક આવેલી ધાવડિયા ચેકપોસ્ટથી બે દિવસ પહેલાં ચેકપોસ્ટ ઉપર રોકેલી પીકઅપમાં ભરેલા ડુંગળીના 12 કટ્ટા ભાવનગર લઇ જવાતા હોવાની વાત ગળે નહીં ઉતરતાં પોલીસની તપાસમાં તેની આડમાં સંતાડેલા 12 લાખ રૂપિયાની કિંમતના અફીણના પોશડોડા મળી આવ્યા હતાં.ચાલક મંદસૌરના ચાલક માંગીલાલની પુછપરછમાં ગાડી મંદસૌરના બાસખેડી ગામના દીલીપ માલવિયાએ ભરાવી હતી.આ ગાડીનું પોષડોડા મંગાવનારા ભાવનગરના ઇન્દ્રજીતસિંહ સરવૈયા અને અશોક ખેર પાયલોટિંગ કરતા હોવાનું જણાવતાં પોલીસે રાતોરાત ટીમ એક્ટિવ કરી હતી. અફીણના પોશડોડા ખરીદનારા ઇન્દ્રજીતસિંહની મોડી રાત્રે રસ્તામાં પોલીસે પકડી લેતાં તેમની સાથે વડોદરાની મૂળ રહેવાસી અને હાલ ભાવનગર રહેતી શીતલ પટેલ પણ મળી આવી હતી. પોલીસે ત્રણેયની પુછપરછ કરતાં રસપ્રદ ઘટસ્ફોટ થયો હતો.
*સૌરાષ્ટ્ર થી મંદસોર સુધી ફેલાયેલા નાર્કોટિક્સના નેટવર્ક નો પર્દાફાશ.*
ઇન્દ્રજીતસિંહ સરવૈયા મંદસૌરના દિલીપ માલવીયા પાસેથી પોશડોડા છુટકમાં ખરીદી કરી શરૂઆતમાં બસ મારફતે તેમજ ટ્રેન મારફતે ભાવનગર ખાતે લઈ જતો હતો. છેલ્લા ચાર વર્ષથી આ નેટવર્ક ચાલી રહ્યુ હતું. અમુક વાર દિલીપ માલવિયા જાતેથી આપવા આવતો હતો તેમજ અમુક વાર તેના માણસો મારફતે પોશડોડા મોકલાવતો હતો.ત્યાર બાદ ઇન્દ્રજિતસિંહ સરવૈયા જાતેથી અલગ અલગ વાહનોમાં પોષડોડા લઈ જતો હોય આ પોશડોડા ભાવનગર સુધી લઇ જવા માટે તેની સાથે ગાડીમાં અશોક ખેર અને શીલત પટેલને સાથે લઈ જતો હતો. જેથી પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડીમાં પરિવારના માણસોની છાપ ઉભી થાય અને પોલીસ વધુ ચેકીંગ નહીં કરતાં પોશડોડા સહેલાઇથી ભાવનગર પહોંચી જતા હતાં.
*સૌરાષ્ટ્રના વિવિધ ડાયરાઓમાં કસુંબો પીરસનાર ભાવનગરનો લીંબો નાર્કોટિક્સનો ખેલાડી નીકળ્યો.*
પોલીસ તપાસમાં મંદશોરથી સૌરાષ્ટ્ર તરફ લઈ જવાતા પોષડોડા ભાવનગરમાં થતાં ડાયરાઓમાં કસુંબાના ઓર્ડર લેતો લીંબા વણઝારા આ પોશડોડા ખરીદી લેતો હતો. અને ડાયરાઓમાં તે કસુંબામાં ઘોળીને પીવડાવતો હોવાનું દાહોદ એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું.
*ડુંગળીનો જથ્થાનું ભાવનગરમાં સપ્લાય,પોલીસને શંકા જતા સમગ્ર ભેદ ઉકેલાયો.*
ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન આઇસર ગાડીમાં ડુંગળીના 22 કટ્ટા જોઈ પોલીસે પૂછપરછ હાથ ધરતા ચાલકે જણાવ્યું હતું કે આ ડુંગળીનો જથ્થો ભાવનગર લઈ જવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ તાત્કાલિક સમજી ગઈ હતી કારણ કે ભાવનગરમાં મોટા પ્રમાણમાં ડુંગળી ઉત્પાદિત થાય છે. ત્યારે ડુંગળીના માત્ર 22 કટ્ટા મંદસોર થી ભાવનગર કોઈ કેમ લઈ જાય.? જે અંગેની શંકા બાદ પોલીસે આઇસર ગાડીની તલાસી લેતા અફીમના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.