
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા પંથકની જનતા સાર્વજનિક સુવિધાઓથી આઝાદીના દાયકાઓ બાદ પણ વંચિત!*
*બલૈયા ગામમાં પંથકની પ્રજા સલામતી માટે પોલીસ ચોકી,અંતિમધામ તથા બસ સ્ટેશનની સુવિધા મેળવવા વર્ષોથી રાહ જુએ છે?*
સુખસર,તા.5
ફતેપુરા તાલુકાનો બલૈયા પંથક દિન-પ્રતિદિન ખેતીવાડી ક્ષેત્રે આગળ ધપી રહ્યો છે.તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ પછાત નથી.અને લોકોમાં જાગૃતિ આવતા પ્રજાને મળવી જોઈતી સાર્વજનિક સુવિધાઓ મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા હોવા છતાં કહેવાતા સામાજિક આગેવાનો, સરકારી વહીવટી તંત્રો તથા સ્થાનિક જવાબદારો પ્રજાને મળવી જોઈતી સાર્વજનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પીઠ ફેરવી રહ્યા છે.ત્યારે જરૂરી સુવિધા ઓથી પંથકની પ્રજાને બાકાત રાખી જવાબદારો પોતાની બેદરકાર ભરી કાર્યરીતિનુ પ્રદર્શન કરતા હોય તેવી લોકો પ્રતીતિ કરી રહ્યા છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાનો બલૈયા પંથક સામાજિક,આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સારી એવી પ્રગતિના પંથે છે.પરંતુ બલૈયા પંથકની પ્રજાને મળવી જોઈતી સાર્વજનિક સુવિધાથી વંચિત હોવાનું જણાય છે.તેમાં ખાસ કરીને અવાર-નવાર બલૈયા પંથકના ગામડાઓમાં ચોરીના બનાવો બને છે. અને તેમાં સંડોવાયેલા તસ્કર લોકો નિર્ભય બની પોતાનો કસબ અજમાવી રહ્યા હોવાના અનેક દાખલા અગાઉ બની ચૂક્યા છે.તેમજ પંથકના ગામડાઓમાં અનેક વાર ઝઘડા,તકરાર,મારામારી જેવા બનાવો બને છે.ત્યારે આ લોકોને ફતેપુરા અથવા સુખસર પોલીસ સ્ટેશનમાં જવું પડતું હોય છે.અને બંને જગ્યાઓ ઉપર જવા આઠ-આઠ કિલોમીટરનું અંતર થાય છે.અને કેટલાક સંજોગોમાં અનિચ્છનીય બનાવ બન્યા બાદ પોલીસના રક્ષણ માટે કલાકો સુધી રાહ જોવા પડતી હોય જે.તે અનિચ્છનીય બન્યા બાદ પોલીસ પહોંચતી હોય છે.જ્યારે રાત્રિના સમયે બલૈયા ગામમાં માત્ર બે હોમગાર્ડ/ જી.આર.ડી ના જવાન ગ્રામજનોના રક્ષણ માટે મૂકવામાં આવે છે.પરંતુ તે પૂરતા નથી.ત્યારે બલૈયા ગામમાં નવીન પોલીસ ચોકી આપવામાં આવે તો બલૈયા પંથકની સમગ્ર પ્રજાને સલામતીનું કવચ મળી રહે તેવું બલૈયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાની માંગ ઉઠવા પામેલ છે.
બલૈયા પંથક આર્થિક દ્રષ્ટિએ પણ મજબૂત હોવાનું જણાય છે.તેમ છતાં બલૈયા આસપાસના બાર જેટલા ગામડાઓના લોકો માટે સ્મશાન ગૃહ આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી.જેથી મૃત વ્યક્તિના નદીમાં ખુલ્લી જગ્યાએ અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.તેમજ નદીમાં જ્યાં મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર આપવા લઈ જવામાં આવે છે.ત્યા અવર-જવર માટે રસ્તાની સુવિધા પણ નથી.જોકે બલૈયા સહિત આસપાસના ગામડાઓમાં અનેક લોકોને આલિશાન મકાનો ધરાવેછે.મોટાભાગના લોકો આર્થિક દ્રષ્ટિએ પણ સધ્ધર હોવાનું જોવા મળે છે.પરંતુ અંતિમ ધામ માટે કહેવાતા જાગૃત લોકો,વહીવટી તંત્રો તથા સ્થાનિક જવાબદારો દ્વારા આજ દિન સુધી ધ્યાન આપવામાં આવતું નહીં હોવાની ચર્ચાઓ પંથકમાં થતી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા થી બલૈયા થઈ બલૈયા ક્રોસિંગ થી ઝાલોદ તથા સંતરામપુર જવા માટે વ્યવસ્થિત માર્ગ આવેલો છે.તેમજ આ રસ્તા ઉપર દિવસે સેકડો વાહનોની અવર-જવર રહે છે.તેમજ લાંબા-ટૂંકા રૂટની એસ.ટી બસો પણ દોડી રહી છે.ત્યારે બલૈયા ગામમાં વ્યવસ્થિત બસ સ્ટેશન હોવું જરૂરી છે. પરંતુ વર્ષો અગાઉ એક પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે.અને તે પણ હાલ જર્જરીત હાલતમાં છે.અને તેના લીધે જાનહાની થવાનો ભય પણ સતાવી રહ્યો છે. તેમજ આસપાસમાં ઝાડી-ઝાખરા ફુટી નીકળેલાં હોય તેનો એક પ્રકારે શૌચાલય તરીકે ઉપયોગ થતો હોય તેમ જોવા મળી રહ્યું છે.અને વાહનોની રાહ જોતા મુસાફર લોકોને માર્ગની સાઈડમાં ઊભા રહી વાહનની પ્રતીક્ષા કરતા નજરે પડી રહ્યા છે.ત્યારે બલૈયા ગામમાં નવીન બસ સ્ટેશન બનાવવામાં આવે અને મુસાફર જનતાને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે,સરકાર દ્વારા સ્થાનિક પ્રજાની સાર્વજનિક સુવિધાઓ માટે પડતી મુશ્કેલી દૂર કરવા કરોડો રૂપિયા ફાળવે છે.તેમજ સ્થાનિક પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા સ્થાનિક વહીવટી જવાબદારોને વહીવટ સોંપવામાં આવેલ હોય તેમ છતાં પ્રજાને પડતી મુશ્કેલીઓ સ્થાનિક જવાબદારો અને પ્રજાના ટેક્સના નાણાં પગાર રૂપે લઇ બની બેઠેલા જેવા વહીવટી સાહેબો આંખ આડા કાન કરે ત્યારે પ્રજાનું કોણ?