
દેવગઢ બારીઆના નાથુડી ગામે પાનમ નદીમા ચાલતા ગેરકાયદેસર રેતીખનન પર ખાણખનીજ વિભાગની રેડ, 1 હિટાચી, 5 ડમ્ફર મળી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત..
દાહોદ તા.05
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાથુડી ગામે પાનમ નદી વિસ્તાર તરફથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેત ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી સ્થળ પરથી 1 હીટાચી મશીન તેમજ 5 ડમ્ફર મળી 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને જોઈ ખનન માફિયાઓ નાસી જવામાં સફળ રહ્યાં હતા.
ગતરોજ રાત્રીના સમયે ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના નાથુડી ગામે પાનમ નદી વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી 5 ડમ્ફરો અને 1 હિટાચી મળી જેમાં ગેરકાયદેસર રેતી તેમજ સફેદ પથ્થરો ભરેલા હતાં જેની કુલ કિંમત રૂા.2 કરોડ છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને જોઈ ખનન માફિયાઓ અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં. ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અવાર નવાર તંત્રની નજરો રહેમ હેઠળ આવા રેત ખનન માફિયાઓ સતત બેફામ સક્રિય બની રહ્યાં છે. ત્યારે ચોક્કસ તત્વોના ઈશારે આ ગેરકાયદેસર ખનન થતું હોવાની પણ બુમો છડેચોક ઉઠવા પામી છે. દેવગઢ બારીઆની પાનમ નદીના તટ પરથી ગેરકાયદેસર રેત થનન તેમજ સફેદ પથ્થરોનું ખનન કરી આસપાસના જિલ્લામાં તેમજ અન્ય રાજ્યોમાં આ જથ્થો ઢાલલવામાં આવતો હોવાની પણ છડેચોક બુમો ઉઠવા પામી છે. આવા સમયે દાહોદ જિલ્લા સંબંધિત કચેરી દ્વારા આવા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરે તે અત્યંત આવશ્યક છે.