
રાજેશ વસાવે :- દાહોદ
સંવેદનશીલ કેસમાં પોલીસે 11 પોલીસ અધિકારીઓ સાથે 300 પોલીસ કર્મીઓની ટીમ બનાવી તપાસ પૂર્ણ કરી..
દાહોદ પોલીસે સીંગવડની ચકચારી ઘટનામાં રેકોર્ડ બ્રેક 12 દિવસના ટૂંકાગાળામાં આરોપી સામે 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી.
આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે તે માટે 150 સાક્ષીઓના નિવેદનો લીધા:સંવેદનશીલ કેસમાં પોલીસે 67 જેટલા ટેસ્ટ કર્યા..
દાહોદ તા. 03
દાહોદ જિલ્લાના સિંગવડ તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતા 6 વર્ષીય વિદ્યાર્થિની પર શાળાના આચાર્યે જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં સંવેદનશીલ બનેલી દાહોદ પોલીસે ટેકનોલોજી ના ઉપયોગ થકી રાત દિવસની મહેનતના અંતે 12 દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં નરાધમ આચાર્ય સામે 1700 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે. એટલું જ નહીં રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલ્લે જ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાંથી 19મી સપ્ટેમ્બરે ધોરણ 1ની વિદ્યાર્થિનીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.સવારે શાળાએ ગયાં બાદ બાળકી પરત ન ફરતાં પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયાં તો શાળા બંધ હતી. શાળાની અંદર જઈ તપાસ કરતાં ક્લાસરૂમની પાછળના ભાગેથી લાશ મળી આવી હતી.ઘટનાની ગંભીરતાને જોતાં એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ પોલીસે આરોપી આચાર્ય ગોવિંદ નટના પ્રથમ ચાર દિવસના રિમાન્ડ બાદ વધુ ત્રણ દિવસના ફરધર રિમાન્ડ મેળવ્યા હતા અને સમગ્ર કેસની ખૂટતી કડીઓને જોડી બે દિવસ અગાઉ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટ નિર્ણય લેતા આરોપી આચાર્યને દેવગઢબારિયા સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
*સંવેદનશીલ કેસમાં દાહોદ પોલીસે સ્માર્ટનેસ વાપરી: ટેકનોલોજી થકી નરાધમ સામે 12 દિવસમાં 1700 પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી.*
દાહોદ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં પોલીસે રેકોર્ડબ્રેક 12 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે દાહોદ પોલીસ દ્વારા 1700 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 150 સાક્ષીને તપાસવામાં આવ્યા છે. આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બચી ન શકેઅે માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. FSLની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિકોલોજી, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી એના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે.
*દાહોદ પોલીસે જવલ્લે જ કરાતો ચામડીના નમૂના માટે એપિથેરિયલ ટેસ્ટ કરાયો*
દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં આ કેસમાં એપિથેરિયલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.દેશમાં જૂજ કેસોમાં જ આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. આ ટેસ્ટમાં એકબીજા વ્યકિતની ચામડીનું મિલન થયું હોય તો તેના નમૂના આવે છે. આ કેસમાં આ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
*ચકચારી કેસમાં 300થી વધુ પોલીસકર્મીઓએ 12 દિવસમાં મેરેથોન તપાસ કરી :- SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલા.*
દાહોદના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બનાવ 19 સપ્ટેમ્બરે રાત્રે બન્યો હતો. 20 સપ્ટેમ્બરે રાત્રે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુનાને ડિટેક્ટ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં 11 પોલીસ અધિકારીઓની સ્પેશ્યલ ટીમની રચના કરી હતી. જેમાં 4 ડીવાયએસપી, 4 પીઆઈ, 2 પીએસઆઈ સહિત 300 પોલીસકર્મીઓ અલગ અલગ કાર્યોમાં જોડાયા હતા.તમામ બાબતો અને તથ્યોનો અભ્યાસ કરી સામેલ કરાયા છે. પુરાવાઓ એકત્ર કરવા માટે વૈજ્ઞાનિક ઢબે જે તપાસ કરવાની થતી હતી તે કરવામાં આવી છે.