રાજેશ વસાવે :- દાહોદ
સંભવિત વિવાદના પગલે ધારાસભ્ય,સંગઠનના હોદેદારો તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે
દાહોદ નગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન…
ગણતરીની મીનીટોમાં તમામ 33 એજેન્ડા એક સાથે મંજુર કરી દેવાયા..
દાહોદ તા.19
દાહોદ નગર પાલિકામાં છેલ્લા કેટલાય સમય થી સત્તાની સાઠમારીને લઇ પાલિકાના સભ્યો વચ્ચે આંતરિક ખેંચતાણ અને જૂથબંધીને લઇને બે જૂથ પડી ગયા હતાં.વર્તમાન પ્રમુખ સામે જંગે ચડેલા સુધરાઈ સભ્યોને મનાવવા માટે મોવડી મંડળને મધ્યસ્થિત કરવી પડી હતી. સામાન્ય સભા ભરવાનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં સામાન્ય યોજાઈ ન યોજાતા આ આ મામલે પણ નારાજ જૂથમાં વિરોધના શૂર જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ દાહોદ નગર પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઇ હતી.જે નિર્ધારિત કરેલા સમયે એટલે કે 12.30 થયા છતાં ગણતરીના સભ્યો જ હાજર હોવાને કારણે પ્રારંભે નારાજ જૂથના કોઇ સભ્યો નહીં આવે તેવું જણાઇ રહ્યુ હતુ.પરંતુ ઓચિંતા જ બગાવતી સૂરમાં રહેલા સુધરાઈ સભ્યો એક સાથે નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા.જે બાદ પ્રથમ વંદેમાતરમ બાદ પ્રમુખ ગોપીભાઇ દેસાઇએ એજેન્ડા વાંચવાની સાથે સામાન્ય સભાની શરૂઆત કરી હતી પરંતુ તેમને પ્રથમ રજિસ્ટરમાં સહિ કરવા માટે પુરુ મહિલા પાલિકા પ્રમુખ દ્વારા અટકાવી દેવાયા હતાં.રજિસ્ટરમાં સહિ થયા બાદ પ્રમુખે ફરીથી એજેન્ડા વાંચવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બીજા એજેન્ડાના વાંચન બાદ નારાજ જૂથના કાઉન્સિલર દીપેશભાઇ લાલપુરવાલાએ તમામ એજેન્ડા મંજુર બોલતા કાઉન્સિલરોએ પાટલી થપથપાવી દેતાં સભા ગણતરીના સમયમાં પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. પાલિકા ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં દાહોદના ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી કનૈયાલાલ કિશોરી સાથે શહેર સંગઠનના પ્રમુખ-મહામંત્રી સહિતના હોદ્દેદારો સંભવિત વિવાદ અને પાલિકાના સુધરી સભ્યો વચ્ચે ચાલી રહેલી યાદવાસ્થલીના લીધે ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો સામાન્ય રીતે નગર પાલિકાની સામાન્ય સભામાં ધારાસભ્ય હાજર હોતા નથી પરંતુ પાલિકાના સભ્યો સામાન્ય સભામાં શિસ્તમાં રહી વિરોધ ના કરે તે માટે હાજર રહ્યા હોવાનું અંતરંગ વર્તુળ દ્વારા કેહવાય રહ્યું છે.જોકે અંતે સામાન્ય સભા જોતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ હોવાનું લેખાઈ રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુધરાઈ સભ્યો વચ્ચે સમાધાન થઈ ગયું છે કે પછી આગળના સમયમાં પ્રમુખના વર્તન અને સત્તાની ખેંચતાણ માટે વિરોધ યથાવત રહેશે.તે આવનાર સમય બતાવશે